હલકા ફોન તરીકે વગોવાયેલા MIની કંપની શાઓમી વિશે જાણવા જેવું
-તુષાર દવે
વાગ્દત્તાને શાઓમી કંપનીનો એમઆઈ ફોન ગિફ્ટમાં આપવામાં કારણે તૂટેલી સગાઈનો કથિત વીડિયો વાઈરલ થયા બાદ આપણે ત્યાં એમઆઈનો ફોન ચર્ચામાં આવી ગયો છે. એની સસ્તી કિંમતના કારણે એ ભલે ‘હલકા ફોન’ તરીકે વગોવાયો હોય, પણ 2010માં સ્થાપના બાદ 2011થી જ તરખાટ મચાવવાનો શરૂ કરીને દસેક વર્ષમાં વિશ્વભરમાં નામના કરી લેનારી એની શાઓમી કંપનીની કેટલીક ભારે વાતો જાણવા જેવી છે.
શાઓમીની સ્થાપના લી જુનએ (કે હ્યુન) એના જેવા જ જિનિયસ અને માથાફરેલ અન્ય છ વ્યક્તિઓ સાથે મળીને કરી. જેમાં ગૂગલ ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગનો વાઈસ પ્રેસિડેન્ટ લિન બિન, ગૂગલ ચાઈનાનો સિનિયર પ્રોડક્ટ મેનેજર હોંગફેંગ, બેઈજિંગની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનનો ડિપાર્ટમેન્ટ ચેર લ્યૂ દે સામેલ હતાં.
- Advertisement -
2011માં પહેલો ફોન લૉન્ચ કર્યો, 2014માં ચીનની સૌથી મોટી કંપની બની ગઈ
6 એપ્રીલ 2010ના રોજ સ્થપાયેલી આ કંપનીએ ઓગસ્ટ 2011માં પોતાનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કર્યો અને ચીનમાં રીતસરનો તરખાટ મચાવી દીધો. શાઓમીના સ્માર્ટફોન્સ એટલા વેચાયા કે 2014 સુધીમાં તો ચીનની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની ગઈ. 2018 સુધીમાં શાઓમી વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી સ્માર્ટફોન મેન્યુફેક્ચરર બની ગઈ અને વિશ્વના બે સૌથી મોટા માર્કેટ ચીન અને ભારતમાં ધમાલ મચાવી રહી હતી.
એપ્પલ, સેમસંગ અને હ્યુવેઈ પછી SOC વિકસાવનારી વિશ્વની ચોથા નંબરની કંપની
- Advertisement -
એસ.ઓ.સી એટલે કે સિસ્ટમ ઓન ચીપ (મોબાઈલ માટેની) જાતે વિકસાવનારી શાઓમી એપ્પલ, સેમસંગ અને હ્યુવેઈ પછીની વિશ્વની ચોથા નંબરની કંપની છે. પછી તો શાઓમીએ સ્માર્ટહોમ સહિત અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમ્સ બનાવવાનું પણ શરૂ કર્યું. શાઓમી કંપનીમાં હાલ વિશ્વભરમાં 18000 હજાર જેટલા કર્મચારીઓ છે. તેનું માર્કેટ ચીનથી શરુ કરીને ભારત, સિંગાપોર, જાપાન, સાઉથ કોરિયા, રશિયા, સાઉથ આફ્રિકા તેમજ સાઉથ ઈસ્ટ એશિયા અને યુરોપના મોટાભાગના દેશો સુધી વિકસી ચુક્યુ છે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પરના દાવા મુજબ વિશ્વના 600 નાના-મોટા શહેરોમાં કંપનીના એક હજાર જેટલા આઉટલેટ્સ અથવા તો સર્વિસ સેન્ટર્સ છે.
વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું ટેકનોલોજી સ્ટાર્ટઅપ
‘ફોર્બ્સ’ ના અંદાજ મુજબ શાઓમીના સ્થાપક અને સી.ઈ.ઓ. લીની સંપત્તિ 12.5 બિલિયન અમેરિકન ડોલર્સ હતી. ઈન્વેસ્ટર્સ તરફથી 1.1 બિલિયન અમેરિકન ડોલર્સનું ફંડિંગ મળ્યાં બાદ કુલ 46 બિલિયન અમેરિકન ડોલરના વેલ્યૂએશન સાથે શાઓમી વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું ટેકનોલોજી સ્ટાર્ટઅપ બની ગઈ છે. 2019 સુધીમાં વિશ્વભરમાં શાઓમીના 150 મિલિયન મોબાઈલ વેંચાઈ ગયા હતાં. એ મામલે એ 2018થી ચોથા નંબર પર બિરાજે છે. કંપની 2018થી હોંગકોંગ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ છે.
શા માટે સસ્તા હોય છે શાઓમીના ફોન્સ
શાઓમીના સી.ઈ.ઓ. લીના જણાવ્યા મુજબ કંપની મેન્યૂફેક્ચરિંગમાં BOM એટલે કે બિલ ઓફ મટિરિયલ પ્રાઈઝના મોડલને અનુસરતી હોવાથી એમના મોબાઈલ ફોન્સની કિંમત પ્રમાણમાં ઓછી હોય છે. વળી, શરુઆતના તબક્કે ફોનની કિંમત ઓછી રાખવા માટે કંપનીએ કોઈ ફિઝિકલ સ્ટોર શરૂ કર્યાં જ નહોતા. માત્રને માત્ર ઓનલાઈન સ્ટોર્સ પર જ વેચાણ કરતી હતી. આ એ તબક્કો હતો જ્યારે ભારતમાં એમઆઈના ફોનના બ્લેક બોલાતા. એમઆઈના ફોનનો ઓનલાઈન સેલ શરૂ થવાનો હોય એના કલાકો અગાઉથી લોકો કોમ્યુટર પર બેસી જતાં. ઓટોમેશન પર બાઈંગ કરતાં કે એકથી વધુ એકાઉન્ટ્સ પરથી ખરીદવાના પ્રયાસો કરતાં. જેવું સેલિંગ શરૂ થાય કે ગણતરીની મિનિટ્સમાં જ વેંચાણ માટે મુકાયેલા તમામ ફોન વેંચાઈ જતાં. એમઆઈના અમુક ફોનના ઓનલાઈન સેલ વખતે તો સેલ થરુ થયાની સેકંડોમાં ફ્લિપકાર્ટ જેવી સાઈટ્સ ક્રેશ થઈ જતી.
અમુક તમુક દિવસે ચોક્કસ સમયગાળા પૂરતા ચોક્કસ નંબરમાં મોબાઈલ ઓનલાઈન વેંચવા મુકવાની આ ફ્લેશસેલ સ્ટ્રેટેજીનો શાઓમીને ફાયદો એ થતો કે ડિમાન્ડ-સપ્લાય ચેઈન પર કંપનીનો મુશ્કેટાટ કંટ્રોલ રહેતો. જેટલા મોબાઈલ વેંચવાના હોય એટલાની જ બેચનું કિફાયતી ભાવે ઉત્પાદન કરવાથી ભાવમાં પણ ફાયદો થતો. જૂના મોડલના મોબાઈલ બટકી પણ ન જતાં અને ડિમાન્ડ કરતાં સપ્લાય આંશિક ઓછો રાખવાથી માર્કેટમાં ડિમાન્ડ પણ બની રહેતી. પછી ધીમે ધીમે કંપનીએ રિટેઈલ આઉટલેટ્સ પર પણ મોબાઈલ સપ્લાય કરવાના શરૂ કર્યાં. એ પણ શરૂઆતમાં જૂના મોડલના ઓનલાઈન સેલ પછી વધેલા ફોન્સ રહેતાં. નવા ફોન્સ તો પહેલા ઓનલાઈન સેલમાં જ વેંચાવા મુકાતા.
શાઓમીની POCO બ્રાન્ડે જ્યારે OnePlus 6ને પાછળ રાખી દીધો
ઓગસ્ટ 2018થી શાઓમીએ પોકો બ્રાન્ડ શરૂ કરી. એ બ્રાન્ડ હેઠળ કંપની મિડ-રેન્જ સ્માર્ટફોન્સ લૉન્ચ કરે છે. 2018ના ચોથા ક્વાર્ટરમાં POCO F1 વનપ્લસના OnePlus 6ને પાછળ રાખીને ભારતનો બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન બની ગયો હતો.
‘ફ્લેગશિપ કિલર કિલર!’
એ અરસામાં મોબાઈલ વિવેચકોએ POCOના ફોન્સને ‘ફ્લેગશિપ કિલર કિલર’નું બિરુદ આપી દીધું. આ બિરુદ ઈન્ટ્રેસ્ટિંગ છે. વનપ્લસના મોબાઈલ ‘ફ્લેગશિપ કિલર’ તરીકે ઓળખાય છે. ફ્લેગશિપ કિલર એટલે એવો ફોન જે એપ્પલ અને સેમસંગ જેવી કંપનીઓનો જે સૌથી શ્રેષ્ઠ એટલે કે ફ્લેગશીપ ફોન હોય એેના જેવી જ સુવિધાઓ વાજબી ભાવે આપીને પેલી કંપનીના ફ્લેગશિપ ફોનનું માર્કેટ તોડી નાંખે. શાઓમીના POCOએ OnePlusના એવા ‘ફ્લેગશિપ કિલર’નું માર્કેટ તોડી નાંખ્યું હોવાથી એ ‘ફ્લેગશિપ કિલર કિલર’ તરીકે ઓળખાયો!
ભારતના ઓનલાઈન માર્કેટનો બેસ્ટ સેલિંગ મોબાઈલ
ભારતમાં POCO બ્રાન્ડનો પહેલો ફોન શાઓમીની વેબસાઈટ પર 2018માં વેંચાણ માટે મુકાયો. જોતજોતામાં જ એ 700,000 યુનિટ્સના વેંચાણ સાથે 6 ડિસેમ્બર 2018 સુધીમાં ભારતમાં ઓનલાઈન વેંચાયેલો બેસ્ટ સેલિંગ ફોન બની ગયેલો.
ડેટા સુરક્ષાના પ્રશ્નો અને પ્રતિબંધો
એવું નથી કે શાઓમીની દરેક બાબતો શ્રેષ્ઠ જ છે. મોબાઈલ કંપની સહજ અને ચાઈનિઝ કંપની સહજ દુષણો શાઓમીમાં પણ વ્યાપ્ત જ છે. શાઓમી પણ ડેટા સુરક્ષા અને અન્ય કેટલાક કારણોસર ભારત સહિત એકથી વધુ દેશોમાં થોડાં થોડાં સમય માટે પ્રતિબંધનો સામનો કરી ચૂકી છે. એપ્પલની ફેસેલિટિઝ અથવા એની સ્ટ્રેટેજીસની કોપીના આક્ષેપો અને વિવાદો પણ શાઓમીના નામે ચડેલા છે.
બગડે ત્યારે એ ફોન ગિફ્ટ કરનારના માથાંમાં મારવાનો રહેતો!
હવે તો ઘણી જગ્યાએ એના સ્ટોર્સ અને સર્વિસ સેન્ટર્સ છે, પણ શરૂઆતના તબક્કે એમઆઈના ફોન્સમાં સૌથી મોટી તકલીફ એની સર્વિસની રહેતી. ફોન સસ્તા ભાવે સારી સુવિધાઓ ચોક્કસ ઉપલબ્ધ કરાવતો, પણ એ તૂટે કે બગડે ત્યારે લોકો માટે માથાનો દુખાવો થઈ જતો. નજીકમાં ક્યાંક સર્વિસ સેન્ટર્સ ઉપલબ્ધ ન હોવાથી અને એ સમયે તો લોકલ ફોનવાળા પણ તમારો હાથ પકડવા તૈયાર ન હોવાથી તમારે ફોનને સર્વિસ માટે મુંબઈ-દિલ્હી કે બીજે ક્યાંક સર્વિસ માટે કુરિયર કરવો પડતો અથવા તો કંટાળીને એ ફોન તમને જેણે અપાવ્યો હોય એ ફિયાન્સના ભોડાંમાં ફટકારવાનો રહેતો.
શાઓમીના કેટલાક લેટેસ્ટ ફોન્સ અને તેની કિંમત
શાઓમીના 2020-21ના કેટલાક થોડાં સમય પહેલા જ રિલિઝ થયેલા કે રિલિઝ થનારા એવા ફોન્સ કે જે કેટલીક ટેક સાઈટ્સના મતે શ્રેષ્ઠ છે એેના નામ અને કિંમત અહીં પ્રસ્તુત છે. કિંમતમાં સેલ, ઓફર્સ અને સાઈટ્સ મુજબ ફેરફાર હોઈ શકે છે.
Mi 10 – 49,999
Poco X3 NFC – 17,290
Mi 10T Pro – 39,999
Poco F2 Pro – 40,790
Mi Note 10 – 43,290
Black Shark 3 – 49,190
Mi 10 Pro – 50,000
Redmi Note 9S – 13,999