ક્લબના કોચ ક્રિસ્ટોફ ગૈલ્ટીયરે જાણકારી આપી
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરના ફૂટબોલપ્રેમી દિગ્ગજ ફૂટબોલર આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સીને પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)ની જર્સીમાં છેલ્લી વખત આવતીકાલે મોડીરાત્રે જોશે. મેસ્સી કાલે પીએસજી ક્લબ માટે પોતાનો અંતિમ મુકાબલો રમવા માટે મેદાને ઉતરશે. આ મુકાબલો ક્લેરમોન્ટ ફુટ વિરુદ્ધ રમાશે. ક્લબના કોચ ક્રિસ્ટોફ ગૈલ્ટીયરે આ અંગેની જાણકારી આપી છે.
- Advertisement -
કોચે કહ્યું કે, મને ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીને કોચિંગ આપવાની તક મળી છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. આવતીકાલે પાર્ક ડેસ પ્રિન્સેઝમાં મેસ્સીનો અંતિમ મુકાબલો હશે. મને આશા છે કે તેમનું સ્વાગત શાનદાર રીતે થશે અને ક્લબમાંથી તેમની વિદાય પણ યાદગાર રહેશે. મેસ્સીએ આ સીઝનમાં ક્લબ વતી શાનદાર પ્રદર્શન કર્યું છે.
મેસ્સી બાર્સિલોનાથી 2021માં બે વર્ષના કરાર સાથે પીએસજી સાથે જોડાયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએસજી છોડ્યા બાદ તે પોતાની આગલી સીઝન માટે સઉદી અરબના ક્લબ અલ હિલ્લા સાથે જોહાઈ શકે છે. અહેવાલો એવા પણ છે કે ડેવિડ બેકહમની ટીમ ઈન્ટર મિયામી તરફથી પણ મેસ્સીને ઑફર અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, મેસ્સીએ પીએસજી વતી 72 મેચમાં 32 ગોલ કર્યા છે તો 34 ગોલમાં મદદ કરી છે. સ્ટાર ફૂટબોલર ફ્રાન્સની ટીમ સાથે મળીને ત્રણ વખત ખિતાબ જીતી ચૂક્યો છે.