– તકતી અનાવરણ, માટીના દીવા સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા અને વીરોને વંદન, ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 9 ઓગસ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન અન્વયે અનેકવિધ કાર્યક્રમો 9 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે રાજકોટના આણંદપર નવાગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
- Advertisement -
મહાનુભાવો દ્વારા ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ તેની સાથે સેલ્ફી લેવામાં આવી હતી. આ તકતીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાનનો સંદેશ તેમજ શહીદોને નમનનો સંદેશ કંડારવામાં આવ્યો છે. પંચ પ્રાણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી, જેમાં વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પ્રતિજ્ઞાઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં ગામના ભારતીય સેનાના સેવાનિવૃત્ત સૈનિક ભીમજીભાઈ કલોત્રાનું તેમજ સૈનિક મેઘરાજસિંહ ચુડાસમા વતી તેમના પત્નીનું હાર, શાલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા ગ્રામપંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આણંદપર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય તેમજ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત ગામના ઘરે ઘરે થનાર તિરંગાના વિતરણનો મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો હતો. ધ્વજારોહણ, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી લાલજીભાઈ સોલંકી, જીલ્લા પંચાયત સદસ્ય નયનાબેન બાળોદ્રા, તાલુકા પંચાયત સદસ્યો તેમજ અન્ય પદાધિકારીઓ અને અગ્રણીઓ, રાજકોટ તાલુકા વિકાસ અધિકારી એમ. એન. તરખલા, આણંદપર તલાટીશ્રી એમ.એલ.મુંગરા, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.