અમદાવાદ, હિંમતનગર, રાજકોટમાં 41 ડિગ્રીને પાર, સરેરાશ તાપમાન 2થી 4 ડિગ્રી વધુ, આગામી દિવસોમાં તાપમાન દરિયાકાંઠે 37 તો પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી થશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.28
- Advertisement -
દેશના કેટલાક રાજ્યોમાં અંગ દઝાડતી ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે. કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઇ ચૂક્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે (ઈંખઉ) આગામી બે દિવસો દરમિયાન આ રાજ્યોમાં હીટવેવની પણ આગાહી કરી છે.
ગુજરાતના રાજકોટમાં 41.1 ડિગ્રી, અકોલામાં 41.5 ડિગ્રી અને વાશિમમાં 41.4 ડિગ્રી જેટલું ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. ઈંખઉના અધિકારીઓ અનુસાર આ રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ રહ્યું હતું પરંતુ તે હીટવેવની સ્થિતિ કહી શકાય તેવા માપદંડ સુધી પહોંચ્યું ન હતું. જ્યારે મેદાનના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી તેમજ પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સુધી પહોંચે ત્યારે હીટવેવની સ્થિતિ કહેવામાં આવે છે.
હવામાન વિભાગ અનુસાર 29 માર્ચ સુધી ઉત્તર કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં, 27-28 માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની શક્યતા છે. તે ઉપરાંત 29 માર્ચ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રી દરમિયાન પણ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. 27-28 માર્ચે કોંકણ અને ગોવામાં તેમજ આગામી 31 માર્ચ સુધી રાયસલીમા, તમિલનાડુ, પોંડિચરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ગરમ અને ભેજ વાળા હવામાનની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
માર્ચથી મે સુધી ઉત્તરપૂર્વ, પશ્વિમ હિમાલય, દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પ અને પશ્ચિમ કિનારા સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ ગરમીના દિવસોની શક્યતા છે. સરેરાશ દર બે થી સાત વર્ષે મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટી પર અલ નીનો ઉદ્દભવે છે અને તે 9 થી 12 મહિના સુધી ચાલે છે. તે આફ્રિકા અને દક્ષિણ યુએસમાં વધુ વરસાદ અને દક્ષિણ આફ્રિકામાં ગરમીની સ્થિતિ સાથે સંકળાયેલું છે.
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, અરબી સમુદ્રની આસપાસ વાતાવરણના મધ્ય લેવલે પવનની પેટર્નમાં એક એન્ટી સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ (હાઇપ્રેશર) રચાશે. જેની અસરોથી અમદાવાદમાં ગરમીમાં વધારો થશે તથા તાપમાન 41 ડિગ્રી કે તેથી વધુ પહોંચવાની શક્યતા છે. એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન(હાઇપ્રેશર) રચાય ત્યારે વાતાવરણ સ્થિર બની જાય છે, જેને કારણે ગરમીમાં વધુ ગરમી અને ઠંડીમાં વધુ ઠંડકનો અનુભવ થાય છે.
વર્ષ 1970થી તાપમાનના ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે દર વર્ષે માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા ક્લાઇમેટ ચેન્જને કારણે અનેકગણી વધી ગઇ છે.



