પોલીસનું જાહેરનામું : વેપારીઓને દુકાનના સમયમાં થયેલો અન્યાય અંતે દૂર કર્યો
બગીચાઓ પણ હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
ગત અનલોક નિયમોમાં સરકારે રેસ્ટોરાંને મોડે સુધી ખુલ્લી રાખવા છૂટ આપી પણ વેપારીઓએ 9 વાગ્યે દુકાન બંધ કરવાનો નિયમ ચાલુ રાખતા વેપારીઓમાં નારાજગી પ્રસરી હતી અને રજૂઆતો થઈ હતી. અંતે હવે આજથી તા.10 ઓક્ટોબર સુધી જારી કરાયેલા પોલીસના જાહેરનામામાં તમામ પ્રકારના વેપાર ધંધા,,શાકભાજી અને ગુજરી બજારો અને રેસ્ટોરન્ટ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે જેનાથી વેપારીઓએ રાહતની લાગણી અનુભવી છે.
ઉપરાંત સવારે કેટલા વાગ્યે દુકાનો ખોલવી તેનો ઉલ્લેખ પણ ટાળવામાં આવ્યો છે. બગીચાઓ પણ હવે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બીજી તરફ, અર્ધી સંખ્યા કે પૂરી સંખ્યા એવા સરળ નિયમને બદલે હજુ જાહેરનામામાં સંખ્યાની ટકાવારી જારી રખાઈ છે. જે મૂજબ (1) રેસ્ટોરન્ટ્સમાં રાત્રે 10 સુધી બેસવાની ક્ષમતાના 75 ટકા (2) જાહેર કાર્યક્રમો 400ની અથવા તો બેઠક ક્ષમતાના 50 ટકા હાજરીથી (3) કોચિંગ ક્લાસીસ 50 ટકા હાજરી (4) સિનેગૃહો,ઓડિટોરિયમ વગેરે 60 ટકા હાજરી (5) વોટરપાર્ક, સ્વીમીંગ પૂલ 75 ટકા ક્ષમતાથી (6) ખાનગી-એસટી બસો 100 ટકા પણ જો એ.સી.બસ હોય તો 75 ટકા હાજરી (7) લગ્ન પ્રસંગ માણવા, હાજરી આપવા 400 લોકો જઈ શકે પણ અંતિમ ક્રિયા માટે 100 વ્યક્તિઓ જ હોવા જોઈએ એવા લોકોને વિચિત્ર લાગતા નિયમો જારી રખાયા છે.