ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીમાં ખેલૈયાઓને પૂરેપૂરી મોજ માણવા દીધા પછી હવે આવતીકાલથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં આંધ્ર પ્રદેશના દરિયા કિનારા નજીક સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં લોઅર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા છે. ઠંડો પવન ફૂંકાતા ખુશનુમા વાતાવરણ અનુભવાયું હતું. સુરત જિલ્લાના બારડોલી અને ઉના તાલુકાના સામતેર ગામે ગઈકાલે જોરદાર માવઠું થયું હતું.ઉનાના સામતેરમાં અડધો ઇંચ પાણી પડી જતા ગરમીમાં રાહત થવા પામી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ માટે આવતી કાલથી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ પ્રતિ કલાકના 30 થી 40 કીમીની ઝડપ પવન ફૂંકાવાની સાથે માવઠું થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ પંચમહાલ દાહોદ જિલ્લામાં પણ માવઠાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને તેના કારણે ગરમીનું જોર વધી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 35 થી 37 ડીગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. માવઠા પછી અને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હીમ વર્ષા પછી વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે.
- Advertisement -
ઉતરાખંડમાં કાલે હીમ વર્ષાનું રેડ એલર્ટ
હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી હીમ વર્ષા થઈ રહી છે. આજે ઉત્તરાખંડના ગરવાલ અને કૂમાઉ રિજીયનમા હીમ વર્ષાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે બરફનું તોફાન વધી જશે અને લેન્ડ સ્લાઈડીંગ જેવી મોટી ઘટનાઓની પણ ભીતિ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ઉત્તરાખંડમાં આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ ભારે હીમ વર્ષાના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.