જૂનાગઢ જિલ્લામાં અવિરત ભારે વરસાદથી લીલા દુકાળની ભીતિ
માણાવદર અને માળીયા હાટીનામાં વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો
- Advertisement -
ઘેડ પંથકના ખેતરો નદીમાં ફેરવાતા ખેતી પાકને વ્યાપક નુકસાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં સતત પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જેના લીધે હજુ જો વરસાદ વરસતો રહેશે તો લીલા દુકાળની ભીતિ સાથે ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. સતત પડી રહેલ વરસાદના લીધે ખેતી પાકને નુકશાન સાથે અલગ અલગ પાકમાં રોગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.જયારે ઘેડ પંથકમાં આ બીજી વખત વરસાદી પાણી આવી જતા આજે પાંચ દિવસથી ખેતરો નદીમાં ફેરવાયા છે.જેના લીધે અનેક ગામની હજારો વીઘા જમીનમાં પાણીમાં ભરાતા ખેતી પાકને વધુ નુકશાની જોવા મળી રહી છે.તમામ તાલુકામાં સરેરાશ 102.34 % વરસાદ વરસી ગયો છે.જે સીઝનનો સારો વરસાદ પડી જતા હજુ વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ખેડૂતો હવે ઉઘાડની રાહ જુવે છે જોયા વરસાદ બંધ નહિ થાય તો ખેતી પાકમાં ભારે નુકશાની જોવા મળશે અને લીલા દુકાળ તરફ સોરઠ પંથક ધકેલાતો જોવા મળે છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે આજે જૂનાગઢ જિલ્લાના માણાવદર અને માળીયા હાટીના તાલુકામાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસાદ વરસતા નદીઓ ફરી બે કાંઠે વેહતી થઇ હતી અને ખેતરો જળબંબાકાર જોવા મળ્યા હતા.
જયારે જૂનાગઢમાં 2 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.તથા વિસાવદરમાં 4 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, વંથલીમાં દોઢ ઇંચ અને ભેસાણ અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે આમ જિલ્લામાં સતત મેઘમહેર જોવા મળે છે. ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.અને ઘરોમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં સૌથી વધુ હાલત ખરાબ ઘેડ પંથકની જોવા મળી રહી છે.ઘેડ પંથકમા ઓઝત નદી સાથે સાંબલી, ઉબેણ સહીત નદીના પાણી બીજી વખત ફરી વળ્યાં છે.જેના લીધે છેલ્લા પાંચ દિવસથી ખેતરો નદીઓ બની ગયા છે.અને ખેતરો સતત પાણીથી ભરાયેલ જોવા મળતા ખેતી પાક બળી જવાના આરે છે.તેમજ ઘેડના અનેક પાળા તૂટી જવાથી ખેતરોના ધોવાણ થયા છે.જેમાં 30 જેટલા ગામોમાં હજારો વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોને ખુબ મોટી નુકશાની જોવા મળે છે.ત્યારે સ્થાનિક ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવાની માંગ ઉઠી છે.તેમજ પ્રતિ વર્ષ ઘેડની થતી આ હાલતના લીધે મોટું પેકેજ જાહેર કરીને ઘેડ વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
જિલ્લાનાં સિંચાઈ વિભાગનાં 17માંથી 14 ડેમ ઓવરફલો
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સીઝનનો સરેરાશ 102.34 ટકા વરસાદ વરસી જતા જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તકના 17 ડેમ માંથી 14 ડેમ ઓવરફલો થયા છે જે ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.હજુ ઓવરફલો થવાના બાકી ડેમોમાં હસ્નાપુર, ઉબેણ, મોટા ગુજરીયા, ઝાંઝેશ્રી અને પ્રેમપરા આ પાંચ ડેમો 70 થી 90 ટકા ભરાઈ ગયા છે.જિલ્લામાં સતત અતિ ભારે વરસાદના લીધે આમ તમામ ડેમો સ્થતિ જોઈએ તો આગામી એક બે દિવસમાં તમામ ડેમો ઓવરફલો થવાની શક્યતા જોવા મળે છે.