ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ 20 JCB અને 500 મ્યુનિસિપલ કર્મચારીઓ સાથે કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરુ કરવામાં આવ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી સોમવારે (24 નવેમ્બર) સવારથી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
- Advertisement -
1000થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી
મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે. AMC દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે 500 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. દબાણ દૂર કરવા માટે 20 જેટલા જેસીબી મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
લોકો સ્મશાનમાં સામાન મૂકવા મજબૂર઼
- Advertisement -
ડિમોલિશનની કાર્યવાહી પહેલા લોકો પોતાનો સામાન ખાલી કરી શક્યા નહતા. એવામાં બુલડોઝર એક્શનથી ત્યાં રહેતા લોકોને જેટલો સામાન મળ્યો તેટલો બચાવવાનો પ્રયાસ કર્યો. હાલ, લોકો પોતાનો સામાન નજીકમાં સ્થિત સ્મશાનમાં મૂકવા મજબૂર બન્યા છે.
લગભગ ચાર દાયકાથી દબાણની સ્થિતિ
મળતી માહિતી અનુસાર સરકાર અને એએમસી દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવા પડી રહ્યા છે. અગાઉ ચંડોળામાં હજારો ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા તેના બાદ આજે ઈસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો પર બુલડોઝરવાળી કરવામાં આવી છે. 500થી વધુ એએમસીના કર્મચારીઓ અને શ્રમિકોની ટોળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે.
ચંડોળામાં ડિમોલિશન
નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલથી શરુ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ(ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી)ની અટકાયત કરવામાં આવી હતી. બે ફેઝમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા. જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. ફેઝ-1માં 4,000 કાચા-પાકા બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.




