રાજકોટ કલેક્ટરની એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક
એરપોર્ટનું કામ ઝડપભેર આગળ વધારવા કલેક્ટરે અધિકારીઓને ટકોર કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક નિર્માણ પામી રહેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ એરપોર્ટ ઓથોરિટી સાથે ખાસ રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. સાથોસાથ એરપોર્ટની આ નિર્માણ કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે ટકોર કરી હતી. એરપોર્ટ બનાવવામાં અડચણરૂપ એક ગામના સ્થળાંતરનો પ્રશ્ન હલ થઈ ગયો છે. જ્યારે હંગામી ટર્મીનલનું કામ પૂર્ણતાના આરે છે. હીરાસર એરપોર્ટનું કામ 2023 સુધીમાં પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટમાં હંગામી ટર્મિનલની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. આગામી 15-20 દિવસમાં જ આ કામગીરીને પરિપૂર્ણ કરી દેવામાં આવનાર છે. દરમિયાન 25 જેટલા લોકોની જમીન સંપાદનનો પ્રશ્ન લટકી પડ્યો હોય 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી પૂજા બાવળા રાજકોટ દોડી આવનાર છે. તેઓ આ પ્રકરણમાં જમીન માલિકો સાથે ખાસ બેઠક યોજશે. તેમજ જે લોકોની જમીન સંપાદન કરવા સહમતિ આપી છે તેઓને જંત્રી મુજબ વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરાશે.
જ્યારે અમુક આસામીઓએ 3-3 વારસદારો દર્શાવ્યા હોય જમીન સંપાદનનું આ કોકડું થોડુ ગુંચવાયેલું છે. આ 25 જેટલા લોકોનું જમીન સંપાદન થયા બાદ એરપોર્ટની કામગીરી ગતિશીલ બનશે. જેમાં એરપોર્ટથી હાઈવે સુધીના રોડનું જે થોડુ કામ બાકી છે તેને પણ જમીન સંપાદન થતા જ પૂર્ણ કરી દેવામાં આવનાર છે. પીએમઓ કાર્યાલયની દેખરેખ હેઠળ ફરી આ પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તે માટે ગતિ આપવામાં આવી રહી છે.
એરપોર્ટ ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ પૂર્ણ
હીરાસર એરપોર્ટ માટે ટર્મીનલનું આખું ખોખું વિદેશથી તૈયાર થઈને આવશે. તૈયાર થયે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપાઇ તેવી શક્યતા છે. હાલ એરપોર્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે. તેમજ એન્ટ્રીનો સિમેન્ટ રોડ પણ બની ગયો છે.