ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કડવા પાટીદાર સમાજની આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સમાજના સર્વાંગી વિકાસ અર્થે અનેક સામાજિક, સેવાકીય શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. સમાજના સર્વાંગી વિકાસને વેગ આપવાના શુભ હેતુથી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળની બેઠકમાં નવા બંધારણીય સુધારાઓ, નવા હોદ્દેદારોની સર્વાનુમત્તે નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભામાશા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
- Advertisement -
જામનગર જિલ્લામાં આવેલા સૌથી મોટા તીર્થધામ ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે તા. 19 ને શનિવારના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના ટ્રસ્ટી મંડળની એક અગત્યની મીટીંગ મળી હતી. પાટીદાર સમાજના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયોચિત ફેરફારોને બહાલી અપાઈ હતી. જે મુજબ હવેથી ચેરમેનનું પદ રદબાતલ ગણી પ્રમુખની જવાબદારીને સર્વોપરી ગણાશે તેમજ અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે તથા ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના સ્થાને સર્વાનુમત્તે દિલેર દાતા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. ઉમિયાધામ સિદસરમાં 15 કાયમી ટ્રસ્ટી અને સવાસો જેટલા દાતા ટ્રસ્ટીમંડળનું વિશાળ માળખું ઉપરાંત અઢીસો જેટલા કારોબારી સભ્યો અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાના 757 ગામોમાં ઉમિયા પરિવાર સંગઠન સમિતિનું નેટવર્ક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. ઉમિયાધામ સિદસરમાં 75 વર્ષથી વધુ ઉંમરના સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા ટ્રસ્ટીઓમાં પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ઉપરાંત વિઠ્ઠલભાઈ માકડીયા, જયંતિભાઈ કાલરીયા, પરસોતમભાઈ ફળદુ, ધનજીભાઈ પટેલ, રમણીકભાઈ ભાલોડીયા, નરશીભાઈ માકડીયા તેમજ બી. એચ. ઘોડાસરાનો સમાવેશ થાય છે, તદ્ઉપરાંત ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા અને રમેશભાઈ રાણીપાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે.
ઉમિયાધામ સિદસરના પ્રમુખપદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણીથી પાટીદારોની સામાજિક પ્રવૃત્તિને નવી ઊર્જા-ઈંજન અને વેગ મળશે
સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ: પ્રમુખની મુખ્ય જવાબદારી
- Advertisement -
ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહિતનાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી
સૌરાષ્ટ્રમાં વસતા બે લાખથી વધુ પરિવારો તથા વેપાર ધંધા અર્થે દેશ-વિદેશમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રના પરિવારો માટે સામાજિક દાયિત્વનું કાર્ય કરતું ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમત્તે વરણી બાદ ઉકાણીએ ઉમિયાધામ ખાતે જણાવ્યું હતું કે સર્વસમાજને સાથે રાખવો એ પાટીદાર સમાજની સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરાને જાળવી રાખી આગામી દિવસોમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે તમામ જિલ્લાઓ ખાતે નાતજમણના કાર્યક્રમો દ્વારા ઉમિયાધામની પ્રવૃત્તિ અને સંગઠનના વ્યાપને મજબૂત બનાવવા કાર્યક્રમો યોજાશે. તેમણે ખેતીની સાથોસાથ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પણ હરણફાળ ભરનાર પાટીદાર સમાજ રાજ્ય અને દેસના વિકાસમાં સહભાગી બન્યો છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલા શ્રી સવા શતાબ્દી મહોત્સવ વેળાએ રજૂ થયેલા પાટીદાર વિઝન-2027ના મિશનને આગળ ધપાવવા નેમ વ્યક્ત કરી છે.
પાટીદારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીના નામની જાહેરાત થતાં સૌરાષ્ટ્રભરના પાટીદાર સંગઠનો, સંસ્થાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓમાં હર્ષની હેલી વ્યાપી ગઈ છે. અત્રે નોંધનીય છે કે વિખ્યાત આયુર્વેદીક તબીબ ડો. ડાયાભાઈ ઉકાણીએ પણ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી કરી છે. શ્રી મૌલેશભાઈ ઉકાણીએ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ પાટીદારોના સમૃદ્ધ પરિવારો તેમજ સ્વયંસેવકોના સમયદાનને સથવારે ઉમિયાધામ સિદસરની વિવિધ પ્રવૃત્તિઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ પ્લાનીંગ અમલી બનાવ્યા છે.
ઉમિયાધામ સિદસરમાં કૌશલ્ય, સ્કીલ અને આવડત મુજબ યુવા વર્ગને સાથે રાખીને પાટીદાર સમાજમાં એક નવી ઊર્જા અને ઈંજનને વેગ આપવા મૌલેશભાઈ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સભ્યો અને અન્ય સમિતિઓ કાર્યરત બની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં કામગીરીઓ થશે.
સર્વસમાજને સાથે રાખી ચાલતા મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વથી પાટીદાર સમાજ આત્મનિર્ભરતા તરફ ડગ માંડશે
ભામાશા, સૌરાષ્ટ્રના પાટીદાર રત્ન, માયાળુ પરગજુ સ્વભાવના મુઠી ઉંચેરા માનવી: મૌલેશભાઈ ઉકાણી
નવનિયુક્ત પ્રમુખ દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વમાં ઉમિયાધામ સિદસર વિકાસની હરણફાળ ભરશે
રાજકોટની આન-બાન અને શાન ગણાતા સેવાભાવી, દાનવીર, સર્વસમાજને સાથે લઈ ચાલનારા, રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી એવા દ્વારકાધીશના પરમભક્ત મૌલેશભાઈ ઉકાણીનું નામ સૌરાષ્ટ્રની જનતા માટે અજાણ્યું નથી. દરેક વર્ગ, દરેક જ્ઞાતિ-સમુદાય સાથે સાયુજ્ય સાધી સમાજ વિકાસને લક્ષ્ય માનનારા, સમાજના નાનામાં નાના માનવીની વ્યથાને વાચા આપનાર મૌલેશભાઈ ઉકાણીનું વ્યક્તિત્વ કોઈ પરિચયને આધીન નથી. તાજેતરમાં જ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે તેઓની વરણી થતાં કડવા પાટીદાર સમાજમાં સર્વત્ર હર્ષોલ્લાસ વ્યાપ્યો છે. સર્વસમાજમાંથી મૌલેશભાઈ ઉકાણીને અભિનંદન વર્ષા થઈ રહી છે.
દયા-દાન-દાતારી, વટ-વચન અને વીરતાથી શોભતી મર્યાદા અને મર્યાદાથી શોભતો સામાજિક મોભો એ મૌલેશભાઈનું આભૂષણ છે. માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં, સર્વસમાજ માટે જેમના હૃદયમાં લાગણી અને કંઈક કરી છૂટવાની ભાવના થકી તેઓ સામાન્ય માણસના હૃદયમાં સ્થાન પામ્યા છે, સર્વના પ્રીતિપાત્ર બન્યા છે. દ્વારકાધીશની અસીમ કૃપાપાત્ર જેમનું નામ સદા તેમના મુખે છે તેવા સફળ ઉદ્યોગપતિ, ભામાશા મૌલેશભાઈના નેતૃત્વથી ઉમિયાધામ સિદસર વિકાસની એક નવી કેડી કંડારશે. કડવા પાટીદાર સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસનો એક નવો આયામ સર કરશે. પોતાના ઋજુ સ્વભાવ અને વ્યવસાયિક કુશળતા અને અનુભવ થકી પ્રમુખપદે તેમનું દોરીસંચાર અને માર્ગદર્શન થકી ઉમિયા માતાજી મંદિર સિદસર તથા પાટીદાર સમાજ હરણફાળ ભરી સર્વાંગી વિકાસ ને સર્વોપરી શિખર તરફ દોરી જશે એવી નેમ વ્યક્ત કરતાં સમગ્ર પાટીદાર સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.