વૈભવ રુંગટાની ઉઘરાણીએ હસતો – રમતો પરિવાર વિખેર્યો: ક્રેડિટ કાર્ડ પડાવી મોંઘી શોપિંગ કરી ટોર્ચર કરતો હતો
દીકરીની હિંમતે દરવાજો ખોલ્યો: ઝેર પીધા બાદ ઉલ્ટી થતા ભાનમાં આવી, લોહી થીજવતી 25 મિનિટની કરુણતા
- Advertisement -
પત્નીએ પિતાને ફોન કરી જાણ કરી, સસરા પહોંચ્યા ત્યારે જમાઈ નીચે પડ્યા હતા અને પૌત્રીઓ બેભાન હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખેતાન નામના વ્યક્તિએ ગઇકાલે(24 ફેબ્રુઆરી) સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતા બાલમુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે.
પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ પાનાંની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળનાં ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર, આરોપી વૈભવ રુંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધાં હતાં અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. મૂળ બિહારના પટનાના વતની અને સુરતના રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં સાડીનો વેપાર કરતા મૃતકના સસરા સંજયભાઈ અગ્રવાલે આ અંગે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની મોટી દીકરી પ્રિયંકાના લગ્ન વર્ષ 2014માં બાલમુકુંદ ઓમપ્રકાશ ખેતાન સાથે થયા હતા. બાલમુકુંદભાઈ શેરબજારનું કામકાજ કરતા હતા અને છેલ્લા અઢી વર્ષથી વેસુ કેનાલ રોડ પર પરિવાર સાથે સ્થાયી થયા હતા. ઘટનાની વિગતો મુજબ, મંગળવારે બપોરે સવા ચાર વાગ્યે પ્રિયંકાએ તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પતિ બાલમુકુંદ રૂમમાં બેભાન હાલતમાં પડ્યા છે. ગભરાયેલા પિતા તાત્કાલિક દીકરીના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય ભયાનક હતું. બાલમુકુંદભાઈ બેડની નીચે નિશ્ચેત પડ્યા હતા, જ્યારે પ્રિયંકા અને તેની બે પુત્રીઓ ભવ્યા (9 વર્ષ) અને પ્રાથ્વી (7 વર્ષ) પણ બેભાન અવસ્થામાં હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ મેડિકલ સ્ટાફે તપાસ બાદ બાલમુકુંદભાઈને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ગંભીર હાલતમાં રહેલી પ્રિયંકા અને બંને બાળકીઓને તાત્કાલિક વેસુની ગ્રીનલીફ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. માસૂમ બાળકીએ તેના નાનાને જણાવ્યું હતું કે, આ ઘટના પહેલા મમ્મી-પપ્પા એક ચોપડામાં કંઈક લખી રહ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન બેડરૂમમાંથી એક ડાયરી મળી આવી છે, જે મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ સાબિત થઈ છે.



