નગરપાલિકા 150થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું
કુલ 700 જેટલી મૂર્તિઓનું સાંજ સુધીમાં વિસર્જન કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં ઠેર ઠેર છેલ્લા 11 દિવસથી ગણેશજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી તે દરમિયાન આજે મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન સમયે ભક્તો દ્વારા વિઘ્નહર્તાના ગગન ભેદી જયઘોષ કરવામાં આવ્યા હતા અને ભક્તજનોએ ભારેહૈયે વિઘ્નહર્તાને વિદાય આપી હતી.
આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવા માટે ધામધૂમથી ભક્તો નીકળ્યા હતા અને ભક્તોએ ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના સહિતના જય ઘોષ કર્યા હતા જોકે શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે નગરપાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ડેઈન, તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આરટીઓ નજીક મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં શહેરમાં શનાળા રોડ સમય ગેટ પાસે, એમ પી શેઠ ગર્લ્સ સ્કૂલ વી સી ફાટક પાસે, સામાકાંઠે એલ ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઇલ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થળે મુર્તિઓ સ્વીકારવામાં આવે છે અને દિવસ દરમિયાન જેટલા પણ લોકો ગણેશજીની મૂર્તિ મૂકી જશે તે મૂર્તિઓનું પાલિકાની ટીમ દ્વારા તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે. આજે સવારથી બપોર સુધીમાં 150 જેટલી મુર્તિઓનું નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યુ છે અને આજે મોડી રાત સુધી કોઇપણ વિસ્તારમાંથી મુર્તિ આવશે તો તેનું નદીમાં તંત્ર દ્વારા વિસર્જન કરી આપવામાં આવશે જયારે આજે સાંજ સુધીમાં નાની મોટી 700 જેટલી ગણેશજીની મૂર્તિઓનું પાલિકા તંત્ર અને લોકો દ્વારા વિસર્જન કરવામાં આવશે.