મહારાષ્ટ્રના બારામતી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા લત્તા કરે એના પતિ ભગવાન કરે સાથે મજૂરીકામ કરીને જીવન પસાર કરતાં હતાં. મહેનત કરીને કરેલી બધી જ બચત દીકરીઓના લગ્નમાં વપરાઈ ગઈ હતી. હવે વૃદ્ધાવસ્થામાં જીવનનો બીજો કોઈ આધાર ન હોવાથી પતિ-પત્ની રોજેરોજનું કમાઈને રોજેરોજનું ખાતાં હતાં.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
ઈશ્વરને પણ આ દંપતીની કસોટી કરવી હોય એમ આવી દારુણ ગરીબીમાં ભગવાન કરે ને કોઈ વિચિત્ર રોગ આપ્યો. સ્થાનિક ડોક્ટરોએ વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. લત્તા કરેએ સગાંસંબંધીઓ પાસેથી માંગી-ભીખીને થોડી રકમ ભેગી કરી અને પતિને સારવાર અપાવવા શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગઈ. ડોક્ટરોએ તપાસ કરી અને કેટલાક રિપોર્ટ્સ કરાવવા જરૂરી હોવાનું જણાવ્યું. આ રિપોર્ટ્સનો ખર્ચો એટલો મોટો હતો કે આ પરિવાર ગમે તેમ કરે તોપણ જરૂરિયાત મુજબનાં નાણાં ભેગાં કરી શકે તેમ નહોતો. લત્તા કરે પર જાણે કે આભ તૂટી પડયું. હવે શું કરવું તેની કંઈ સમજ પડતી નહોતી.
થાકેલી અને હારેલી લત્તાબાઈ નાસ્તો કરવા માટે હોસ્પિટલની બહાર આવી. નાસ્તાની દુકાનવાળાએ છાપાના એક ટુકડામાં થોડો નાસ્તો લત્તાબાઈને આપ્યો. હજુ તો નાસ્તાનો કોળિયો મોઢામાં જાય એ પહેલાં લત્તાબાઈના હાથ થંભી ગયા. જે છાપાના ટુકડામાં એ નાસ્તો કરી રહી હતી એ ટુકડામાં સ્થાનિક ભાષામાં છપાયેલા એક સમાચારની હેડલાઇન પર એની નજર અટકી ગઈ. આ સમાચાર બારામતી જિલ્લાની સ્થાનિક મેરેથોન દોડ વિશે અને આ દોડના વિજેતાને આપવાના રોકડ ઇનામ અંગેના હતા. લત્તાબાઈએ તે જ ક્ષણે નિર્ણય કર્યો કે મારે પણ આ મેરેથોન દોડમાં ભાગ લઈને ઇનામ મેળવવું છે જેથી મારા પતિની સારવાર કરાવી શકું.
- Advertisement -
લત્તાબાઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચી ત્યારે આયોજકોએ રજિસ્ટ્રેશન કરવાની ના પાડી. લત્તાબાઈ પાસે પગમાં પહેરવાના બૂટ તો એક બાજુ રહ્યા, ચપ્પલ પણ નહોતા. 67 વર્ષની ઉંમરની આ બિનઅનુભવી સ્ત્રીને કેમ ભાગ લેવા દેવો ? લત્તાબાઈએ આયોજકોને ખૂબ વિનંતી કરી, આજીજી કરી, પરિસ્થિતિ સમજાવી. અંતે આયોજકોએ ભાગ લેવા માટેની મંજૂરી આપી. 67 વર્ષની આ વૃદ્ધા પતિનો પ્રાણ બચાવવા જંગે ચડી. સાડી પહેરીને ખુલ્લા પગે એ મેરેથોનમાં ભાગ લેવા માટે ઊતરી. ગોઠણ સુધી સાડી ચી કરીને એણે દોટ મૂકી. દોડતી વખતે પગમાં નાના પથ્થરો વાગવાનાં કારણે પગમાંથી લોહી નીકળતું હતું, તોપણ લત્તાબાઈ સતત દોડતી જ રહી અને સિનિયર સિટિઝનની કેટેગરીમાં પ્રથમ નંબર મેળવીને પતિની સારવાર માટે રોકડ ઇનામ જીતી લાવી.
માણસ જેને દિલથી પ્રેમ કરે છે, એના માટે એ ગમે તે કરી શકે છે. જો મનોબળ મજબૂત હોય, તો
કોઈ કામ માટે ઉંમર પણ અડચણરૂપ ન બને.