કલેકટર તંત્ર અને પુરવઠા વિભાગના ઓઠા હેઠળ ચાલતી આ લૂંટ ક્યારે બંધ થશે? તંત્ર યોગ્ય પગલાં લે તેવી જિલ્લા કોંગ્રેસની માંગ
રાજકોટની જનતા પેટ્રોલ પંપો પર લૂંટાઈ રહી છે ત્યારે કલેકટર તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની ફરિયાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
પેટ્રોલ પંપો પર પ્રજાને પડતી સમસ્યાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં કરાવે તો આગામી દિવસોમાં પુરવઠા વિભાગની કચેરી પર કોંગેસ હલ્લાબોલ કરી જનતાનો અવાજ ઉપાડશે તેવી ચિમકી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા અને એનએસયુઆઈ પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે ઉચ્ચારી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કલેકટરને પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવી છે.
પાવર પેટ્રોલ-ડીઝલના વેચાણના ટારગેટ પૂરા કરવા વધુ પોઈન્ટ ગોઠવી લીટરે 5થી 7 રૂપિયા વધુ પ્રજાએ નાછૂટકે ચૂકવવા પડે છે, ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પેટ્રોલ પંપો પર 50% પોઈન્ટ પાવર ફ્યુલના રખાતા ગ્રાહકોની દરરોજ લાંબી કતારો હોવાથી સમય વેડફવાના ભયથી ફરજિયાત પાવર ફ્યુલ ભરાવવું પડે છે. પુરવઠા વિભાગ જે રીતે બાયો ડીઝલમાં રેડ પાડવામાં સક્રિય હતી તો હવે કેમ નહીં? પુરવઠા વિભાગ હપ્તાખોરીની લાલચે દરરોજ રાજકોટની જનતા પાસે કરોડો રૂપિયાની પમ્પમાલિકો અને કંપનીઓને ખટાવે છે. કલેકટર અને પુરવઠા વિભાગનો એક અધિકારી રાજકોટ શહેર- જિલ્લાના એકપણ પંપ પર સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હોય અને કાર્યવાહી કરી હોય એવું બતાવે, તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. વધુમાં અનેક પંપો પર ફ્યુલ મશીનમાં જ સેટીંગ કરી પ્રજા સાથે છેતરપિંડી કરવાની વ્યાપક ફરિયાદો મળે છતાં સાંભળનાર કોઈ નથી. પ્રજા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ-ગેસના વધતાં ભાવથી અતિપીડાઈ રહી છે, ઉપરથી તંત્રના પાપે જરૂરિયાતની ચીજવસ્તુઓમાં વેચાણ પર શા માટે લોલંલોલ ચલાવે છે? તે એક મોટો પ્રશ્ર્ન છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.