મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
આપણી એક લાક્ષણિકતા છે. ત્રેવીસમી માર્ચે આપણે શહીદ ત્રિપુટી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. દિવસભર તેમની પ્રશસ્તિ કરતા રહીએ છીએ. ચોવીસમી તારીખે એમને ભૂલી જઈએ છીએ.
દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને પછી તરત જ આપણે એમને ભૂલી જઈએ છીએ. મહાત્માજીને ભૂલવા માટે તો આપણે ચોવીસ કલાકની પણ રાહ જોતા નથી.
- Advertisement -
જ્યારે ઘરમાં આવેલા મંદિરમાં અથવા તો બહાર આવેલા મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે એક-બે મિનિટ પૂરતા બે હાથ જોડીને ભગવાન પાસેથી આપણને જે જોઈતું હોય તે માગીને મંદિરની બહાર આવી જઈએ છીએ. એ પછી આખો દિવસ દુનિયાદારીની ખટપટોમાં, અર્થઉપાર્જનમાં અને સમાજજીવનમાં મગ્ન બની જઈએ છીએ. આ લાક્ષણિકતામાં પરિવર્તન કરવું આવશ્યક છે. તમે જે મહાપુરુષોને, જે ક્રાંતિવીરોને શ્રદ્ધેય માનો છો, વંદન કરો છો એમને આખું વર્ષ અને આખી જિંદગી આદર આપતા રહો, યાદ કરતા રહો અને એમનાં પગલે ચાલવાનો પ્રયત્ન કરતા રહો. આવું જ ભગવાન માટે પણ કરવું જોઈએ. ભગવાનની ભક્તિ એ માત્ર એક કે બે મિનિટ માટે આંખ મીંચીને, બે હાથ જોડીને પ્રાર્થના કરવાનો વિષય નથી. એ આપણા રક્તકણોમાં વણાઈ જવી જોઈએ. આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે ભગવાનનું નામ સ્મરણ ચાલતું હોવું જોઈએ.
આપણે ગમે એટલા વ્યસ્ત હોઈએ, ખુશ હોઈએ, ચિંતાગ્રસ્ત હોઈએ કે ગમે એટલું મહત્ત્વનું કામ કરતા હોઈએ ત્યારે પણ શ્વાસ લઈએ છીએ કે નહીં? એ આપમેળે ચાલતી ક્રિયા છે. શ્વાસ લેવા માટે અને શ્વાસ મૂકવા માટે આપણને કોઈ યાદ અપાવતું નથી. એ જ રીતે નામ સ્મરણ અથવા મંત્ર-જાપ આપણા શ્વાસોચ્છ્વાસ સાથે વણાઈ જવો જોઈએ. જો આવું થાય તો જ એને સાધના કહેવાય. બાકી બધું તિકડમ છે.