આજથી હજારો વર્ષ પહેલા કોઈ પણ જાતનાં આધુનિક ઉપકરણ કે લેબોરેટરી વગર તૈયાર થતાં રસાયણોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલો છે.
– પરખ ભટ્ટ
અસાધ્ય ગણાતાં રોગોનાં ઉપચાર બાબતે વેદિક સંસ્કૃતિ ઘણી આગળ હતી. રામાયણનાં યુધ્ધ સમયે જ્યારે મેઘનાદ દ્વારા લક્ષ્મણ પર છોડવામાં આવેલા બાણને પ્રતાપે તેઓ મૂર્છાને વશ થઈ ગયા હતાં, તે વખતે પવનપુત્ર હનુમાને હિમાલય પરની સંજીવની જડીબુટ્ટી થકી તેમનાં પ્રાણની રક્ષા કરી હતી. આજે જ્યારે આ તમામ કથાઓ પર પુનર્દ્રષ્ટિ પડે છે ત્યારે સમજાય છે કે આ કોઈ ચમત્કાર નહી, પરંતુ શત-પ્રતિશત વિજ્ઞાનનો ખેલ હતો.
ભૂતકાળમાં એવું મનાતું હતું કે રંગસૂત્ર ફક્ત બે તંતુનાં બનેલ છે; જ્યારે થોડા વર્ષો પહેલા થયેલ અમુક જૈવિક પ્રયોગો મુજબ, તેમાં વધારાનાં દસ તંતુઓ હોવાની સાબિતી મળી આવી છે. આ એવા દસ તંતુઓ છે, જે સતત પરિવર્તનશીલ છે, બદલાયા રાખે છે. જ્યારે આ શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને ખાસ કશી ગતાગમ ન પડી હોવાને લીધે નવા શોધાયેલા તંતુઓને ‘જંક (કામ વગરનાં/ફાલતુ) ડીએનએ’ નામ અપાયું. તાજેતરમાં રશિયન વૈજ્ઞાનિકોએ ખોળી કાઢ્યું કે જંક ડીએનએ તે ખરેખર માણસની જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. તેમનાં પર અલગ-અલગ આવર્તન (ફ્રિકવન્સી) તેમજ તીવ્ર પકાશ પાડવામાં આવે તો તેઓ માનવશરીરમાં અસામાન્ય ફેરફારો કરી શકવા સક્ષમ છે. તેમનામાં અસાધ્ય રોગો પર વિજય મેળવવાની ક્ષમતા છે. ટેલિપથી, ભવિષ્યનો પૂર્વાભાસ, રૂપ બદલી શકવા જેવાં અદભુત કાર્યો ડીએનએ વડે શક્ય છે. હવે માણસગત સ્વભાવ અનુસરતાં, એવો પ્રશ્ન થવો સાવ સ્વાભાવિક છે કે અમુક ચોક્ક્સ પ્રકારની ફ્રિકવન્સી અને લાઈટનો સંયોગ કઈ રીતે ઉભો કરી શકાય જેથી માણસજાત સુપર-હ્યુમન કેટેગરીમાં પ્રવેશ મેળવી શકે!
- Advertisement -
આનો જવાબ ખૂબ સરળ છે. યાદ છે પ્રાચીનકાળમાં થતાં મંત્રોચ્ચારિત યજ્ઞો, જેમાં પાંચ-છ ઋષિ-મુનિઓ એક વર્તુળમાં બેસી હોમ-હવન અને જાપ કરતા? (હાલમાં પણ થાય જ છે પરંતુ અમુક ક્ષતિઓને કારણે તેમની અસરકારકતા અને સત્વ ઘણાખરા અંશે નાશ પામ્યા છે) આવર્તનોની વૈવિધ્યતા ધરાવતાં મંત્રો અને પ્રચંડ પ્રકાશ ધરાવતી યજ્ઞકુંડની જ્વાળા તેમનાં આખા શરીરને સમય-સમયાંતરે રોગમુક્ત બનાવી દેતી હતી. યજ્ઞનું યથાર્થ વિજ્ઞાન તેઓ જાણે પચાવી ચૂક્યા હતાં. યજ્ઞકુંડની અગ્નિમાં કેટલા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ ઉમેરવો જેથી તે નિર્ધારિત પ્રકાશ-ઉર્જા વાતાવરણને આપી શકે તેનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું. સમસ્યા એ છે કે બસ્સો વર્ષ સુધી રાજ કરી ગયેલ અંગ્રેજોનાં પ્રતાપે આજે આપણને આપણી મૂળ સંસ્કૃતિનાં તથ્યો પણ ચમત્કાર કે જાદુ લાગી રહ્યા છે. પુરાતન યુગમાં એવા મંત્રોનું નિર્માણ થયું હતું જેમને અમુક તીવ્રતા સાથે ઉચ્ચારાતાં શરીરનાં કોઈ નિશ્ચિત ભાગ પર પોતાની અસર દેખાડે. સ્પષ્ટ વાણી, સંસ્કૃત ભાષાનું ઉચ્ચતર જ્ઞાન તેમજ મનની શુધ્ધતાનાં પરિણામે ઋષિઓ પોતાનાં મંત્રોચ્ચાર થકી પાવરફુલ ઓરા ઉભો કરી શકતાં, જે તેમને નિશ્ચિત ફળ મેળવવામાં મદદરૂપ થતો. આજે ગાયત્રીમંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ગરૂડ મંત્રની પોતપોતાની ખાસિયતો છે કારણકે આ દરેકનાં ઉચ્ચારણમાં અલગ-અલગ આરોહ-અવરોહ અને આવર્તનો જોવા મળે છે. જેનાં લીધે શરીરનાં વિવિધ ભાગો પર તેમજ રંગસૂત્રોમાં જુદી-જુદી પ્રતિક્રિયાઓ જોવા મળે છે. આ ટેકનિક વડે તેઓ મહારોગમાંથી સરળતાપૂર્વક છુટકારો મેળવી શકતા તેમજ અન્ય જીવનું પણ રૂપ ધારણ કરી શકતાં!
રામાયણમાં સીતાહરણ પ્રસંગ સમયે સોનેરી મૃગનો ભેખ ધરીને પ્રગટ થતો મારિચ રાક્ષસ આનું જ એક ઉદાહરણ કહી શકાય. તદુપરાંત, હનુમાનની અષ્ટસિધ્ધિનું વર્ણન પણ અહીં આવશ્યક બની જાય છે : (૧) અનિમા (૨) લઘિમા (૩) મહિમા (૪) ગરિમા (૫) પ્રાપ્તિ (૬) પ્રકમ્ય (૭) ઇસિત્વ (૮) વસિત્વ. એવું માનવામાં આવે છે કે આ તમામ સિધ્ધિઓ વડે પવનપુત્ર હનુમાન સંજીવની પહાડ જેવડાં વિશાળકાય તેમજ પંખીના પીંછા જેટલા હળવા બની શકતાં! આજનાં ડીએનએ લોજીક સાથે ઉપરોક્ત વાત ઘણા-ખરા અંશે મેળ ખાય છે. વૈજ્ઞાનિકો પણ હવે આ દિશામાં વિચારતાં થઈ ગયા છે. અત્યાર સુધી જે શાસ્ત્રો ફક્ત પંડિતપોથીમાં સીમિત બનીને રહી ગયા હતાં તેમનો અભ્યાસ કરવા પર વિજ્ઞાન મજબૂર થઈ ગયું છે.
તાજેતરમાં, રશિયન સંશોધકોએ ડીએનએ પર કાબુ હાંસિલ કરવા માટે, કાચિંડાનાં જીનેટિક્સનો ઉપયોગ કરીને ફક્ત પ્રકાશ (લેસર-ટીટમેન્ટ)ની તીવ્રતા વધારી-ઘટાડી દેડકાંના ગર્ભને કાચિંડામાં પરિવર્તિત કર્યો છે. દેડકા પર કોઈ જાતની ચીરફાડ, કાપકૂપ કે દવાદારૂ વગર માત્ર અસરકર્તા રંગસૂત્રને ટાર્ગેટ બનાવવાનો આ અદભુત પ્રયોગ આશ્ચર્યજનક રીતે સફળ છે. વૈજ્ઞાનિકોએ ગાયત્રી મંત્ર દ્વારા થતી અસરો વિશે ઘણું ઉંડુ રિસર્ચ કર્યુ છે. તેનાં પ્રત્યેક અક્ષરોમાં બીજ-મંત્ર હોવાનું જાણવા મળ્યું છે. દરેક મંત્રોની શરૂઆતમાં ‘ॐ’ કાર આવશ્યક છે. કારણકે તે પોતે સૌથી શક્તિશાળી બીજ-મંત્ર છે.
- Advertisement -
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥
માનવામાં આવે છે કે બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું. જગતજનની માં ગાયત્રીને વેદોએ સર્વ-દુઃખનિવારિણી કહી છે. ગાયત્રીમંત્રમાં રહેલા ૨૪ અક્ષરો ચોવીસ અલગ-અલગ બીજમંત્રો છે જેની શરીરનાં ૨૪ ભાગો પર વિવિધ અસર જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક ધરાવતાં વાલ્મિકી રામાયણમાં, દર એક હજાર શ્લોક પછી શરૂ થતાં નવા શ્લોકનો પહેલો અક્ષર ગાયત્રી શ્લોકનો બીજમંત્ર છે. જર્મની સ્થિત હેમબર્ગ યુનિવર્સિટીએ ગાયત્રીમંત્રનાં અક્ષરો તેમજ તેનાં ઉચ્ચારણ થકી પેદા થનારા ધ્વનિ-તરંગો પર ઉંડાણપૂર્વકનું સંશોધન આદર્યુ છે. એવું કહેવાય છે કે ચોવીસ અક્ષરો વડે ઉત્પન્ન થનાર આ ધ્વનિ-તરંગો જ્યારે એકીસાથે ક્રમ પ્રમાણે ઉચ્ચારાય છે ત્યારે માનવ-શરીર પર વિશેષ પ્રકારની અસર દેખાડે છે!
અમેરિકન સાયન્ટિસ્ટ ડૉ.હાવર્ડ સ્ટેઇનગેરિલે પોતાની ફિઝિયોલોજી લેબમાં ગાયત્રીમંત્રનાં ધ્વનિ-તરંગ પર વિગતવાર અભ્યાસ કર્યો. પ્રાપ્ત થયેલ ડેટામાં જોવા મળ્યું કે ગાયત્રીમંત્ર પ્રતિ સેકન્ડે ૧,૧૦,૦૦૦ ધ્વનિ-તરંગનું ઉત્સર્જન કરે છે, જે વિશ્વનાં અન્ય કોઈ પણ શ્લોક અથવા મંત્ર કરતાં સૌથી વધુ શક્તિશાળી હોવાની સાબિતી આપે છે. તેમણે નોંધ્યું કે જ્યારે-જ્યારે આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે ત્યારે-ત્યારે તેમાંના બીજમંત્રો માનવશરીરની અમુક ગ્રંથિઓ માટે પાસવર્ડનું કામ કરે છે. સુષુપ્ત પડી રહેલી કેટલીક નાડીઓને ગાયત્રીમંત્ર વડે એક્ટિવેટ કરી શકાય તેમ છે!
બ્રહ્માએ ચાર વેદોનું સર્જન કરતા પહેલા ગાયત્રીમંત્રનું ઉપાર્જન કર્યુ હતું
મંત્રવિદ્યાનાં તજજ્ઞો જાણે છે કે કોઈ પણ મંત્રનાં ઉચ્ચારણ સમયે ગળું, દાંત, હોઠ, જીભ અને મુખના પોલાણનો ઉપયોગ થાય છે. ગાયત્રીમંત્રનાં ચોવીસેય અક્ષરો શરીરની ચોવીસ ગ્રંથિઓ સાથે જોડાયેલા છે, જેને સાધક મંત્રોચ્ચારણ વડે જાગૃત કરી શકે છે. જેમ-જેમ સાધકનો અભ્યાસ વધતો જાય એમ ધ્વનિ-તરંગો અવકાશમાં પ્રક્ષેપિત થઈ ચોક્ક્સ સમયાંતરે પરત ફરીને, પુનઃ શરીરનાં કોઈ ચોક્ક્સ ભાગ પર પોતાની નિર્ધારિત અસર દેખાડે છે. (નાનપણથી આપણે ભણતાં આવ્યા છીએ કે ઉર્જાનો નાશ કે તેનું ઉત્સર્જન શક્ય નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. મોઢામાંથી બોલાયેલા શબ્દો અવકાશમાં ભ્રમણ કર્યા રાખે છે. કારણકે ધ્વનિ-ઉર્જાનો નાશ શક્ય નથી. આ થિયરી પર જ ગાયત્રીમંત્ર કામ કરે છે! ફર્ક એટલો છે કે સુવ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલા બીજ-મંત્રોને કારણે એક રાગમાં ઉચ્ચારાતાં મંત્રમાંના અક્ષરો અવકાશમાં ભ્રમણ પામ્યા બાદ બમણી ઉર્જા સાથે પુનઃ સાધક પાસે જ પરત ફરે છે.)
માનવશરીરમાં સાત ચક્રો સુષુપ્ત અવસ્થામાં બિરાજમાન હોય છે. કુંડલિની જાગરણ વિધિ વખતે આ તમામ ચક્રોને સાત અલગ-અલગ બીજ-મંત્રો વડે જાગૃત કરવામાં આવે છે.ઉપરાંત, શરીરમાંની ૭૨૦૦૦ નાડીઓનું જોડાણ મુખ સાથે થયેલું છે. જ્યારે પણ આપણે જીભ વડે કશુંક બોલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બે નાડી એકબીજા સાથે સંધાન પામે છે. ગાયત્રીમંત્રની ખાસિયત એ છે કે તેનાં ઉચ્ચારણ સમયે ફક્ત બે નાડી નહી, પરંતુ ચોવીસ નાડી જાગૃત અવસ્થામાં આવી જાય છે. આ એ ચોવીસ નાડીઓ છે, જે વ્યક્તિમાં અલગ-અલગ ગુણોનું સિંચન કરે છે. તાપિની, સફલતા, વિશ્વ, તુષ્ટિ, વરદા, રેવતી, સૂક્ષ્મ, જ્ઞાન, ભર્ગ, ગોમતી, દેવિકા, વરાહી, સિંહની, ધ્યાન, મર્યાદા, સ્ફૂટ, મેધા, યોગમાયા, યોગિની, ધારિણી, પ્રભાવ, ઉષ્મા, દ્રશ્ય અને નિરંજન જેવા કુલ ચોવીસ ગુણો ગાયત્રીમંત્ર વડે પ્રાપ્ય છે!
ગાયત્રીમંત્રની શરૂઆત ॐ થી થાય છે. આ કારણોસર તૈતરિય અરણ્યકમાં ‘ઓમ’ને કોઈ પણ મંત્રની શરૂઆત પહેલા અનિવાર્ય ગણાવાયો છે. ગાયત્રીમંત્રમાં ઓમકારનાદ વિશેનો અત્યંત ગહન ઉલ્લેખ છે :
(૧) ॐ भूर्भुवः स्वः
· ભૂર્ : પૃથ્વી
· ભૂવઃ : ગ્રહો
· સ્વઃ : આકાશગંગાઓ
આપણે જાણીએ છીએ કે ૯૦૦ આરપીએમ (રોટેશન પર મિનિટ) પર ઘૂમતો ઘરનો સામાન્ય પંખો પણ હવા સાથે ઘર્ષણ પામી ઘોંઘાટ પેદા કરે છે. તો પછી આ થિયરીમાંથી આપણી મિલ્કી-વે (આકાશગંગા) કઈ રીતે બાકાત રહી શકે?! સૂર્ય ૨૨.૫ કરોડ વર્ષોને અંતે આકાશગંગા ફરતે એક ચક્કર પૂરું કરે છે. આપણી પૃથ્વી (તેમજ સૂર્યમંડળ) ૨૦,૦૦૦ માઈલ પ્રતિ સેકન્ડની ગતિએ આકાશગંગા ફરતે ગોળ ચક્કર લગાવી રહી છે! આટલી ભ્રમણગતિને લીધે અવકાશમાં પ્રચંડ ધ્વનિ પેદા થાય છે. જે સૌપ્રથમ ઋષિ વિશ્વામિત્રનાં ધ્યાનમાં આવ્યું. અનંત બ્રહ્માંડમાં સંભળાઈ રહેલા ધ્વનિને તેમણે ‘ઓમ’ નામ આપ્યું. ગાયત્રીમંત્રનો પ્રથમ ભાગ ઉપરોક્ત હકીકત પરથી પડદો હટાવવાનું કામ કરે છે!
(૨) तत्सवितुर्वरेण्यं
· તત : તે (ભગવાન)
· સવિતુર્ : સૂર્ય
· વરેણ્યમ : પ્રણમ્ય છે
મંત્રનો બીજો ભાગ આપણને નિરાકાર બ્રહ્મની અનુભૂતિ કરાવે છે. નિરાકાર-નિર્ગુણ પરમ બ્રહ્મને ઓળખવા માટે સાક્ષીભાવે હાજર રહેલા સૂર્ય-પ્રકાશ તેમજ ‘ઓમ’નાં ધ્વનિનો ઉપયોગ કરી શકાય છે.
(૩) भर्गो देवस्यः धीमहि
· ભર્ગો : પ્રકાશ
· દેવસ્ય : તે દૈવત્વનું
· ધિમહી : આપણે ધ્યાન ધરવું જોઈએ
‘ઓમકાર’નાં જપ થકી હાલ વિશ્વમાં સાક્ષાત હાજરાહજૂર (સૂર્ય-પ્રકાશ) એવા દૈવત્વનું ધ્યાન ધરવાથી ઈશ્વરની સમીપ પહોંચી શકાય છે.
(૪) धियो यो नः प्रचोदयात्
· ધિયો : મેધા
· યો : જે
· નઃ : અમારી
· પ્રચોદયાત : પથપ્રદર્શિત કરો
· ધિયો : મેધા
· યો : જે
· નઃ : અમારી
· પ્રચોદયાત : પથપ્રદર્શિત કરો
ગાયત્રીમંત્રનાં ચોથા અને છેલ્લા ભાગનો અર્થ છે : હે ઈશ્વર, અમારી મેધાને યોગ્ય માર્ગ સૂચિત કરો. ચારેય ભાગનું પોતપોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં સિધ્ધ થયું છે કે ગાયત્રીમંત્રનું નિરંતર ધ્યાન, માનવશરીરનાં પુષ્કળ ઉર્જા-કેન્દ્રોને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લઈ આવવા મદદરૂપ બને છે. બીજ-મંત્રોનાં ઉચ્ચારણ સમયે ધ્વનિ-કંપનને લીધે મગજની ચોફેર ચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જિત થાય છે જે મસ્તિષ્કને જુદા-જુદા પ્રકારની શક્તિ અર્પણ કરે છે. (જેને હાલ આપણે ‘ચમત્કાર’ અથવા ‘જાદુ’થી ઓળખીએ છીએ!) અમેરિકન સ્પેસ-કંપની નાસા અત્યારે વિવિધ અવકાશીય પ્રયોગો અંતર્ગત બીજ-મંત્રને પોતાનો હાથો બનાવી રહી છે. મોટા-મોટા ટ્રાન્સમિટર્સ વડે અવકાશમાં ‘ઓમ’ નાદ ટ્રાન્સમિટ કરી પરગ્રહવાસીને પૃથ્વી તરફ આકર્ષવાનાં પ્રયત્નો ચાલુ છે. પ્રયોગ વડે એલિયન્સની હાજરી પકડી શકાશે કે કેમ એ તો ખ્યાલ નથી પરંતુ એક વાત તો જરૂર સાબિત થાય છે કે ખુદ અમેરિકા પણ ભારતીય વેદ-પુરાણોને ફક્ત કપોળ-કલ્પિત શાસ્ત્રો ન ગણતાં તેની સત્યતા સ્વીકારે છે.