વિમલ નમકીનમાં સડેલી મીઠાઇ, ફરસાણ અને શિખંડ સહિત 5500 કિલો અધાદ્ય જથ્થાનો નાશ
ફરસાણમાં કપડાં ધોવાનો સોડા વપરાતો હતો: કોલ્ડરૂમમાંથી અંજીર, વાસી મીઠાઇ મળી આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સાતમ-આઠમના તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગે છેલ્લા 21 દિવસમાં 14 હજાર કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, લક્ષ્મીનગર મેઈન રોડ પર વિમલ નમકીન નામની બ્રાન્ડ ધરાવતા સંજય ટાંકની પેઢી શ્રીરામ ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ કરી હતી. જેમાં 5500 કિલો અખાદ્ય અને વાસી ફરસાણ અને મીઠાઈનો નાશ કર્યો છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રીરામ ગૃહ ઉદ્યોગની સ્થળ તપાસ કરવામાં આવી હતી. પેઢીમાં વિવિધ પ્રકારના ફરસાણ, મીઠાઇનું ઉત્પાદન-સંગ્રહ કરી વેચાણ કરાતું હતું. તપાસ કરતાં પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલા પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઇંગ્રેડિયન્ટસ લોટ કોડ બેચ નંબર એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલી ન હતી. સ્થળ પર ફરસાણમાં વપરાશમાં લેવાતા સોડા એસ- વોશિંગ સોડાનો 16 કિ.ગ્રા. જથ્થો મળ્યો હતો. આ કારણે ફરસાણની ચકાસણી કરાતા વાસી પડતર ફરસાણનો 850 કિ.ગ્રા. જથ્થો મળ્યો હતો.
કોલ્ડરૂમ તથા ફ્રીઝમાં તપાસ કરતા વિવિધ ફ્લેવરના શિખંડ અંદાજીત 200 કિ.ગ્રા.નો જથ્થો પતરાંના ડબ્બામાં પડ્યો હતો. તેમજ કોલ્ડરૂમમાં અંજીર, વાસી મીઠાઇ, લાડુ, જાંબુનો કુલ 160 કિ.ગ્રા. જથ્થો પણ હતો. પેઢીમાં દાઝિયા તેલમાં જ ફરસાણ બનતું હતું તેનો પણ 150 કિલો જથ્થો જણાયો હતો. આ ઉપરાંત ગંદકી પણ હતી. આ તમામ પરિબળોને ધ્યાને લઈ વાસી પડતર ફરસાણ, સોડા એસ-વોશિંગ સોડા તેમજ વોશિંગ સોડા વાપરી ઉત્પાદન કરેલું ફરસાણ, મીઠાઇ, શિખંડ મળીને અંદાજિત 5500 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે અયોગ્ય ઠેરવાયો હતો. આ બાબત ફૂડ બિઝનેસ ઓપરેટરે સ્વીકારતા સમગ્ર અખાદ્ય જથ્થો ફરી વેચાણ ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહન મગાવી નાશ કરવામાં આવ્યો છે. પેઢીને નોટિસ ફટકારી પેકિંગના નિયમો તેમજ આરોગ્યપ્રદ સ્થિતિ જાળવી ઉત્પાદન કરવા માટે સૂચના અપાઈ છે.
- Advertisement -
શિખંડ, ચવાણું, વટાણા, બરફીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ શ્રી રામ ગૃહ ઉદ્યોગ (વિમલ નમકીન)માંથી કેસર શિખંડ, પંચરત્ન ચવાણું, ગાંઠીયાનો લોટ, લીલા ફ્રાય વટાણા, ફ્રાંઈગ ઓઈલ, ઘઉંનો ચેવડો, ગુલાબ બરફી અને બીંગો નમકીનના નમૂના લેવામાં આવ્યા છે.