બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી 8 શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, દારૂના કેસ સહિતના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક યુવકની હત્યા થતા ચકચાર મચી છે. તા. 1 ફેબ્રુઆરીના રોજ આંબેડકરનગર વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જેના આરોપીને થોરાળા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે.
બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -1માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા 8 શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મળતી માહિતી મુજબ થોરાળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા આંબેડકરનગર વિસ્તારમાં ગત બુધવારના રોજ આઠ શખ્સોએ પૂર્વ કાવતરૂં રચી મરણજનાર સિદ્ધાર્થ ઉર્ફે રઘો મકવાણાના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેનાથી યુવકનું મોત નિપજ્યું હતું. જો કે મરણજનારના બનેવી સુનીલભાઈ ચાવડાએ તાત્કાલિક આ હીચકારા હુમલાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોરાળા પોલીસે આઠમાંથી સાત આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવતા હત્યાની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.