રાજકોટ મ્યુનિ.એ ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલર કરવાની તક આપી પણ 250 અરજી જ આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકામાં પણ પૂરા રાજ્યની સાથે ચૂંટણી પૂર્વે ગેરકાયદે બાંધકામો નિયમબદ્ધ કરવાની તક આપતી ઇમ્પેક્ટ ફી યોજનાનો અમલ શરૂ થયો હતો. પરંતુ દોઢ મહિનાથી વધુ સમય નીકળી જવા છતાં રાજકોટમાં આજ સુધીમાં અઢીસો જેટલી અરજી માંડ આવતા હવે તંત્ર દ્વારા અનિયમિત બાંધકામો સામે તુરંતમાં કાર્યવાહી શરૂ થાય તેવા નિર્દેશ છે. જાન્યુઆરી માસથી ફરી ઓપરેશન અને માર્જીન-પાર્કિંગના દબાણ તોડવા તંત્ર રોડ પર ઉતરશે તેવું જાણવા મળ્યું છે. થોડા વર્ષ અગાઉ રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામો નિયમોને આધિન રેગ્યુલર કરવા સ્કીમ બહાર પાડી હતી. જે તે સમયે પણ આ યોજનાને બહુ મોટો પ્રતિસાદ મળ્યો નહોતો. પરંતુ મોટાપાયે બાંધકામ ખડકનારા, કોમર્શિયલ યુઝ કરનારા અને ધંધાદારી લોકોએ અરજીઓ મૂકીને, ફી ભરીને આ બાંધકામો નિયમબદ્ધ કરાવ્યા હતા. પાર્કિંગના દબાણો માટે આકરા નિયમો હતા. અન્યત્ર વૈકલ્પિક પાર્કિંગ માગવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો સહિતની અનેક મિલકતો રેગ્યુલર થઈ ગઈ હતી. પરંતુ સરકારનો હેતુ હતો એ રહેણાંક વિસ્તારના લોકો ઉદાસીન રહ્યા હતા.
- Advertisement -
30 હજાર ગેરકાયદે બાંધકામોની સંખ્યા હોવાનો અંદાજ
રાજકોટ મનપામાં આ સ્કીમ હેઠળ 250 જેટલી અરજી હજુ ઇન્વર્ડ થઇ છે. અનિયમિત બાંધકામો રેગ્યુલર કરવામાં આસામીઓ ઉત્સાહીત નથી. રહેણાંક સહિત આવા બાંધકામોની સંખ્યા 30 હજાર જેવી હોવાનો અંદાજ થોડા સમય અગાઉ જનરલ બોર્ડમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઘર માલિકો આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવો ઇરાદો તંત્રનો છે. પરંતુ લોકો પૂરો રસ લેતા નથી. આથી આવા નોટીસવાળા બાંધકામો સામે કાર્યવાહી શરૂ થાય તેમ છે.