રામ ગોપાલ વર્મા, અનુરાગ કશ્યપ, સૌરભ શુકલા, અનુભવ સિંહા, તિગ્માંશુ ધુલિયા… મનોજ હર્ટ થયા અને મનોજે હર્ટ પણ ર્ક્યા.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
મનોજ બાજપેયીનું પ્રથમ લગ્ન તૂટી પડયું ત્યારે ચિંતા કરનારાં હર્ષ છાયા અને શેફાલી છાયા હતા અને છાયા દંપતિ છૂટું પડયું ત્યારે હર્ષની ચિંતા કરનાર મનોજ બાજપેયી હતા.
ટેલેન્ટેડ, તૂંડમિજાજી અને જિનીયસ વ્યક્તિત્વનું પ્રથમ લક્ષણ એ કે તેઓ હર્ટ થતાં રહે છે અને હર્ટ કરતાં પણ રહે છે. એમાંય એ મહાનુભાવનું નામ મનોજ બાજપેયી હોય તો પૂછવાપણું રહેતું નથી કારણકે આ બિહારીબાબુ શબ્દો ચોરવામાં માનતા નથી. સત્યા (મુંબઈ કા માલિક કૌન ?), રાજનિતી (કરારા જવાબ મીલેગા ) અને ફેમિલી મેન જેવી વેબસિરિઝ થકી પોતાની અભિનય ક્ષમતા કા લોહા મનવાને વાલે મનોજ બાજપેયીએ કોલેજ દિલ્હીમાં કરી હતી અને ત્યાંથી તેનો રંગમંચ પર સિક્કો ચાલી ગયો હતો. મનોજ બાજપેયીના એ શરૂઆતી વરસોમાં તેમની સાથે કામ કરનારાં દોસ્તો-સાથીદારોના નામનું લિસ્ટ જૂઓ : અનુભવ સિંહા, અનુરાગ કશ્યપ, હંસલ મહેતા, હર્ષ છાયા, પિયુષ મિશ્રા, સૌરભ શુકલા, ગજરાજ રાવ, તિગ્માંશુ ધુલિયા… આ તિગ્માંશુ ધુલિયા જ મનોજ બાજપેયી પાસે બેન્ડિટ કવિન ફિલ્મ માટેના ઓડિશનની ઓફર લઈને આવ્યા હતા. અનુરાગ કશ્યપની (તમન્ના ફિલ્મ વખતે) મહેશ ભટ્ટ સાથે અને દૌડ ફિલ્મ વખતે રામ ગોપાલ વાર્મ સાથે ઓળખાણ કરાવનાર પણ મનોજ બાજપેયી જ હતા. સૌરભ શુકલાનું પણ એવું જ. મનોજ બાજપેયીનું પ્રથમ લગ્ન તૂટી પડયું ત્યારે ચિંતા કરનારાં હર્ષ છાયા અને શેફાલી છાયા હતા અને છાયા દંપતિ છૂટું પડયું ત્યારે હર્ષની ચિંતા કરનાર મનોજ બાજપેયી હતા.
- Advertisement -
આ લિસ્ટમાં તમે આશિષ વિદ્યાર્થીને પણ ઉમેરી શકો, જેમને મનોજના મુકાબલે દ્રોહાકાલમાં મોટો અને અગત્યનો રોલ મળ્યો હતો… આજે બોલીવુડમાં મોટા અને મહત્વના નામ બની ગયેલાં આમાંના ઘણાખરાં સાથે મનોજ બાજપેયીને કોઈ સંજોગોમાં વાકું પડી ગયું હતું અને તેની વિગત પિયુષ પાંડેએ મનોજ બાજપેયી પર લખેલાં પુસ્તકમાં આપવામાં આવી છે. મનોજ બાજપેયી અને રામ ગોપાલ વર્મા વચ્ચેની કોલ્ડ વોર તો એવી ચગેલી કે બન્ને સામસામા બ્લોગ લખતાં અને બેધડક ઈન્ટરવ્યુ પણ આપતાં હતા. સત્યા ફિલ્મ પછી કૌન અને ર00રમાં રોડ ફિલ્મ ર્ક્યા પછી રામુએ મનોજને અનેક ફિલ્મમાં કાસ્ટ કરીને પછી પડતો મૂકી દીધો હતો. મનોજ સમસમીને ગમ ખાઈ જતો પણ શોલેની રિમેક બનાવતી વખતે રામુએ ભીખુમ્હાત્રેને સાંભાનો રોલ ઓફર ર્ક્યો અને… પછી લડાઈ જગજાહેર થઈ અને છેક ચૌદ વરસે (સમાધાન થયા પછી) સરકાર-3 માં મનોજે એક નાનકડો રોલ ર્ક્યો હતો.
સત્યામાં ભીખુ મ્હાત્રે બન્યાં પછી મનોજ બાજપેયીનો સિતારો બુલંદી પર હતો ત્યારે (1998માં) અનુભવ સિંહા, અનુરાગ કશ્યપ, તિગ્માંશુ ધુલિયા અને હંસલ મહેતા હજુ પોતાની આગવી અને સફળ ઓળખ બનાવવા મથી રહ્યાં હતા.
આજે તો આ ચારેય ડિરેકટર પોતાની ક્ષમતા દર્શાવીને પોતાનું વજૂદ પુરવાર કરી ચૂક્યાં છે. મજા એ છે કે હંસલ મહેતાના અપવાદને બાદ કરો તો તિગ્માંશુ ધુલિયા, અનુરાગ કશ્યપ, અનુભવ સિંહાએ પોતાની પ્રથમ (કે એ પછીની) ફિલ્મમાં મનોજ બાજપેયીને લીધા નહોતાં, દોસ્ત હોવા છતાં. કારણ? સત્યા પછી સફળ થયેલાં મનોજ બાજપેયીએ એક વખત (કદાચ, દારૂના નશામાં) ત્રણેયને કહી દીધેલું કે, તમે ત્રણેય મારો (મારી લોકપ્રિયતા – સ્ટારડમનો) ઉપયોગ કરીને જ ડિરેકટર થવા માંગો છો.
- Advertisement -
ટ્રેજેડી જુઓ કે મનોજ બાજપેયી પોતાની માર્કેટ પ્રમાણે ડિમાન્ડ કરીને કરીબીઓને હર્ટ કરતાં હતા, એ જ મનોજ બાજપેયી માટે પણ એક દશકો (2001 થી 2010) ખરાબ આવ્યો
હંસલ મહેતા દિલ પે મત લે યાર ફિલ્મ નાના પાયે બનાવવા માંગતા હતા પણ મનોજ બાજપેયીને એટલે જ તેમાં રસ નહોતો. આખરે ફાયનાન્સર શોધીને મનોજને સાઈન કરવામાં આવેલો. રામ ગોપાલ વર્મા માટે શૂલ લખતાં દરમિયાન અનુરાગ કશ્યપને વાકું પડયું પણ મનોજના આગ્રહથી તેણે ફિલ્મથી છેડો ફાડયો નહોતો પણ અનુરાગ કશ્યપે જયારે મિરાજ (પછીથી એ પાંચ નામે બની ) ફિલ્મ માટે મનોજને કહ્યું ત્યારે મનોજે હિરોઈન રવિના ટંડન જેટલા જ પૈસા માંગેલા એટલે વાત પડી ભાંગી હતી… ટ્રેજેડી જુઓ કે મનોજ બાજપેયી પોતાની માર્કેટ પ્રમાણે ડિમાન્ડ કરીને કરીબીઓને હર્ટ કરતાં હતા, એ જ મનોજ બાજપેયી માટે પણ એક દશકો (ર001 થી ર010) ખરાબ આવ્યો. એ વખતે દેવ ડી જોઈને મનોજે હિંમત કરીને અનુરાગ કશ્યપને અભિનંદન માટે ફોન કરેલો.
– અને તેના બે વરસ પછી એક રાતે અનુરાગ કશ્યપે મનોજને ફોન ર્ક્યો. મનોજ તરત અનુરાગના ઘેર પહોંચ્યો. અનુરાગે તેને વાર્તા સંભળાવી. મનોજે માત્ર એટલું જ સૂચન ર્ક્યું કે તેના પાત્રનું નામ સરદાર ખાન રાખવું… અનુરાગે તેમાં સહમત હતા અને એ પછી આપણને ગેંગસ ઓફ વાસેપુર મળી.
ગેંગસ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયીએ માથું મુંડાવ્યું છે, એ ખરેખર સ્ક્રીપ્ટમાં નહોતું. એ વખતે મનોજ બાજપેયીને વાળ ખરવાની ગંભીર સમસ્યા હતી તેથી તેને હેર વિવિંગ કરાવવાનું હતુ. એ માટે માથાંના તમામ વાળ ઉતરાવવા પડે તેમ હતા. ફરી પહેલાં જેવા વાળ ઉગતાં બે-ત્રણ મહિના થાય તેમ હતા… આ વાત જાણ્યાં પછી અનુરાગ કશ્યપે સ્ક્રીપ્ટમાં તોડ કાઢયો અને મનોજને હેર ટ્રિટમેન્ટ માટે મુંડન કરાવી લેવાની છૂટ આપી હતી.
રૂદ્ર ઠીક મારા ભૈ
હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક અજય દેવગણે ઓટીટી પ્લેટફોર્મ પર રુ : ધ એજ ઓફ ડાર્કનેસ વેબસિરિઝથી એન્ટ્રી મારી છે પણ એ આગમન ધમાકેદાર હરગીઝ નથી. ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી રુ સિરિઝ આમ જૂઓ તો લ્યુથર નામની અંગે્રજી સિરિઝ પર આધારિત છે પણ નવિનતા વગરનું આ થ્રિલર એકદમ મંદ ગતિનું (અને ક્યારેક મંદબુદ્ઘિનું લાગે તેવું) છે. અજય દેવગણ, એશા દેઓલ, રાશી ખન્ના, અતુલ કુલકર્ણી અને આશિષ વિદ્યાર્થી જેવી સ્ટારકાસ્ટ ધરાવતી રૂદ્ર ખરેખર તો પર્સનલ લાઈફમાં અત્યંત ડિસ્ટર્બ એવા ચાલાક અને કાબેલ ઈન્વેસ્ટીગેટિવ ઓફિસરની કેરિયરના એક કાળખંડની કથા છે. તેની પત્ની તેને છોડીને બીજા ગમતાં પાત્ર સાથે રહેવા ચાલી ગઈ છે અને આ ભાઈસાહેબ બનતા જતાં ક્રાઈમના ભેદ ઉકેલતા જાય છે. દરેક વખતે તેની ચાતુરી દેખાડવાની કોશિશ થઈ છે પણ એ એટલી ઈમ્પ્રેસિવ નથી લાગતી. સિરિઝના ઓપનિંગ એપિસોડમાં જ માતા-પિતાની કુશળતાપૂર્વક હત્યા કરી ચૂકેલી પુત્રી (રાશી ખન્ના) આખી સિરિઝમાં શા માટે રુદ્રપ્રતાપસિંહને હેલ્પફૂલ થયા કરે છે, એ જ સમજાતું નથી અને પોતે આવી ખૂની વ્યક્તિની શા માટે મદદ લે છે, એ પણ પહેલી સિઝનમાં અધ્યાહાર જ રહે છે. રૂદ્ર તરીકેના અજય દેવગણને આપણે અનેક ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ એટલ કશુંય નવીન લાગતું નથી. ડીઝની હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન ભરી ચૂક્યાં હો તો (અનુકુળતાએ) જોઈ લો તો ચાલે એવી આ બહુ ગાજેલી વેબસિરિઝ છે. ઓટીટી પર આથી અનેકગણું ઈન્ટરેસ્ટીંગ ઉપલબ્ધ છે જ.