ગીફટ લેવા કે ફાર્મા કંપની પ્રયોજીત કાર્યક્રમમાં સામેલ ન થવાના નિયમો પણ હાલ તૂર્ત અટકાવી દેવાયા
ડોકટરો માટે જેનેરીક દવા લખવાનું ફરજીયાત કરતા નેશનલ મેડીકલ-કમીશનનાં નિર્ણયને તાત્કાલીક અસરથી સ્થગીત કરી દેવામાં આવ્યો છે.દેશભરમાં તબીબોના વિરોધને પગલે સરકાર ઝૂકી છે. આ સિવાય ફાર્મા કંપનીઓ પાસેથી ગીફટ ન લેવા કે કંપનીઓ સ્પોન્સર્ડ કાર્યક્રમોમાં સામેલ ન થવાનો નિર્ણય પણ અટકાવી દેવામાં આવ્યો છે.
- Advertisement -
નેશનલ મેડીકલ કમીશને જાહેર કર્યુ હતું કે, નવા નોટીફીકેશન સુધી નિર્ણયો સ્થગીત રહે છે અને ત્યાં સુધી 2002 ના જુના કેસો અમલમાં રહેશે. નેશનલ મેડીકલ કમીશને ઘડેલા નવા નિયમોમાં પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી હતી તે જુના કાયદામાં ન હતી.
ઈન્ડીયન મેડીકલ એસોસીએશને નવા નિયમો સ્થગીત રાખવાના નિર્ણયને વધાવ્યો છે. તબીબી સંગઠને કેન્દ્રીય આરોગ્યમંત્રી સમક્ષ પણ વિરોધ વ્યકત કરીને દરમ્યાનગીરી કરવાની માંગ કરી હતી.
નેશનલ મેડીકલ કમીશને તાજેતરમાં એવો નિયમ જાહેર કર્યો હતો કે તબીબોએ દર્દીને પ્રિસ્ક્રીપ્શન જેનેરીક દવાનું જ લખવુ પડશે અને તેનો ભંગ કરનારા સામે દંડાત્મક તથા રજીસ્ટ્રેશન રદ કરવા સુધીનાં પગલાની જોગવાઈ કરવામાં આવી હતી. બ્રાન્ડેડ જેનેરીક દવા નહીં લાવવાની પણ તાકીદ કરવામાં આવી હતી.