ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
માણાવદરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ત્યારે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આ રિવરફ્રન્ટ કોઈના સંભાળે તો હું સંભાળવા તૈયાર છું તેવું નિવેદન કરતા બે દિવસ પહેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સહિતના આ રિવરફ્રન્ટ અંગેના ખુલાસા કરવામાં આવ્યા હતા ત્યારે આજે આ રિવરફ્રન્ટની મુલાકાત પ્રવાસન વિભાગના અધિકારીઓ પણ લીધી હતી.
માણાવદરના નવનાલાપુલથી રસાલા ડેમ સુધી લોકોને હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા મળે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 19 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ રિવરફ્રન્ટ બની ગયો તેને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ્યા બનેલું રિવરફ્રન્ટ ખંઢેર ના થાય તે પહેલા લોકો માટે ખુલ્લો મુકવો જરૂરી છે. આ રિવરફ્રન્ટની અંદર વોક-વે, ટોયલેટ બ્લોક, અનેક પ્રકારના ટ્રી પ્લાન્ટો સહિતની અનેક સુવિધાઓ ધરાવે છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશીએ મુલાકાત લઈને જણાવ્યું હતું કે આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવા સરકાર પણ પ્રયત્નશીલ છે. રિવરફ્રન્ટમાં જે નાના મોટા ખૂટતા કામોની સમીક્ષા કરીને ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
માણાવદરનો 19 કરોડનો રિવરફ્રન્ટ બે વર્ષથી બંધ: રાજકીય મુદ્દો બનતા નિરીક્ષણ કરવા પ્રવાસન વિભાગ દોડતું થયું
