17 એપ્રિલ સુધી ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન; વ્યક્તિગત અને પારિવારિક ઉન્નતિનો સંદેશ રેલાશે
2500થી વધુ મહિલાઓની શિસ્તબદ્ધ પોથીયાત્રાએ જમાવ્યું આકર્ષણ; વિવેકસાગર સ્વામીના હસ્તે સાંજે થશે વિધિવત ઉદ્ઘાટન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટમાં આજથી ભક્તિ અને જીવન ઉત્કર્ષનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કાલાવડ રોડ પર સ્થિત ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સના વિશાળ મેદાનમાં 11થી 17 એપ્રિલ દરમિયાન આયોજિત ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ શહેરના આધ્યાત્મિક વારસાને વધુ દીપાવશે. આ મહોત્સવ વ્યક્તિગત ઉન્નતિથી લઈને પારિવારિક શાંતિ સુધીના અનેક પાસાઓ પર પ્રકાશ પાડશે.
મહોત્સવના ઉપક્રમે શુક્રવારે સાંજે 4:30 વાગ્યે એક ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં 2500થી વધુ બાલિકાઓ, કિશોરીઓ અને મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ સ્ત્રી શક્તિના સંગઠિત સ્વરૂપનો પ્રેરક સંદેશ આપ્યો હતો. હાથમાં પોથી, ધ્વજ અને કળશ સાથે નીકળેલી આ યાત્રા ઇઅઙજ મંદિરથી શરૂ થઈ કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને બહુમાળી ભવન થઈને રેસકોર્સ મેદાન ખાતે વિરામ પામી હતી. સમગ્ર માર્ગ પર સ્વામિનારાયણ મંત્રોચ્ચાર અને ભક્તિગીતોની ગુંજથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું.
આજે સાંજે 4:30 વાગ્યે વરિષ્ઠ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીના શુભ હસ્તે મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 4 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ પરિસરમાં 135 ફૂટના બે ભવ્ય પ્રવેશદ્વાર, 7 સનાતન મંદિરો અને 25 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીની દિવ્ય મૂર્તિ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રોતાઓ માટે 50,000 ખુરશીઓ અને 29 સાઉન્ડ ટાવર સાથેની અત્યાધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 40 ફૂટની કઊઉ સ્ક્રીનથી સજ્જ મુખ્ય મંચ પર દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જોવા મળશે.
આજથી દરરોજ રાત્રે 8:30 કલાકે વિશેષ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે પૂજ્ય વિવેકસાગર સ્વામી આશીર્વચન પાઠવશે, ત્યારબાદ યુવાનો દ્વારા ‘સંકલ્પો સાકાર કરવાના સૂત્રો’ થીમ પર લિરિકલ ડાન્સની પ્રસ્તુતિ થશે. મહોત્સવના મુખ્ય વક્તા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી પોતાની રસાળ શૈલીમાં વિઝ્યુઅલ્સ અને સંગીતના સમન્વય સાથે કથાવાર્તાનો લાભ આપશે. 4000થી વધુ સ્વયંસેવકોના સહયોગથી તૈયાર થયેલા આ મહોત્સવમાં રાજકોટના નગરજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



