ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામેથી મોરબી એલસીબી ટીમે રાજસ્થાની શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું ઉઊઋ યુરિયા બનાવીને વેચતો હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ
નોંધાઇ છે.
ગત તા. 8 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે આવેલ આદિત્યરાજ રીફેક્ટરીઝ નામના કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલી ઓફીસમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી નામના શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ ઓફિસની તલાસી લેતા ઓફિસમાંથી વાહનોમાં ઉપયોગમાં લેવાતા ટાટા કંપનીના ઉઊઋ યુરિયાની 99 ડોલ તેમજ સ્ટીકર સહિતની વસ્તુઓ મળી આવતા આ મામલે ટાટા કંપનીને જાણ કરવામાં આવી હતી જેથી ટાટા કંપનીની ઓરીજીનલ પ્રોડક્ટના ડુપ્લીકેટ માલ બનાવવા અને વેચાણ મામલે ગઈકાલે કંપનીના ઓથોરાઈઝડ અધિકારી સુનિલભાઈ મહેન્દ્રભાઇ વોરા, રહે.ગાંધીનગર, સેકટર-4 દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઓમપ્રકાશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટાટા જેન્યુઇન ઉઊઋ યુરિયાની 20 લીટર ક્ષમતાની 99 ડોલ (કિં.રૂ. 1,38,600) તેમજ ડોલ ઉપર લગાવવાના સ્ટીકર નંગ 234 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કોપીરાઈટ એકટ તેમજ ટ્રેડ માર્ક એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ
કરી છે.