રૂ. 20 લાખથી વધુના 656 ગેરકાયદે સરકારી અનાજના કટ્ટા ઝડપાયાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા-સાસણ રોડ પર આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી રૂ.20.36 લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના 656 કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આની વિગત જોઈએ તો, ગીર સોમનાથ હોટલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસમાં ત્રણ છોટા હાથી અને એક રિક્ષામાંથી રૂ.6,09,310 ની કિંમતના 19 કટ્ટા ઘઉં, પ5 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણાના ઝડપી પાડી આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ જૂનાગઢ તાલુકાના મેંદરડા તાલુકાના એસ.કે. નામથી ઓળખાતા પ્રતિકભાઇ હિરપરા, દીપકભાઈ સોલંકી તેમજ ઝાકીરભાઈનો હોવાનું પકડેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું. જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી પ્રતિકભાઇ હિરપરાની દુકાન ખાતેથી 253 કટ્ટા ઘઉં, 60 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો રૂ. 3,44,434ની કિંમતનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
તે સાથે દીપકભાઈની દુકાન નંબર-2 પરથી સ્વરાજ મઝદા સાથે 52 કટ્ટા ઘઉં, 64 કટ્ટા ચોખા, 2 કટ્ટા ચણાદાળ ઝડપી પાડવામાં આવી હતી. જેની કિંમત રૂ.7,97,560 થાય છે. આ ઉપરાંત, મેંદરડા ખાતે સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઇ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા 55 કટ્ટા ઘઉં, 150 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો રૂ.2,84,700નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.