અંધકારથી પ્રકાશ તરફની ગતિ એટલે ઉતરાયણ: ધાર્મિક મહત્વ, પરંપરા અને પતંગોત્સવનો અનોખો સંગમ
મકર સંક્રાંતિ દર વર્ષે 14મી જાન્યુઆરીએ આવે છે, જેને સમગ્ર હિન્દુ સમાજ અત્યંત શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવે છે. આ પર્વ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તેની સાથે અનેક ધાર્મિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક બાબતો જોડાયેલી છે. “તમસો મા જ્યોતિર્ગમય” ના મંત્રને સાર્થક કરતો આ દિવસ અંધકારથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો સંદેશ આપે છે.
ધાર્મિક મહત્વ અને આધ્યાત્મિક પાસું: હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર, મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ભગવાન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે, જેને ’ઉતરાયણ’ કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને જ્ઞાન આપતા સૂર્યને પોતાના પ્રથમ શિષ્ય ગણાવ્યા છે. મહાભારતમાં પિતામહ ભીષ્મએ પણ સ્વેચ્છાએ દેહત્યાગ કરવા માટે સૂર્યના ઉતરાયણ થવાની રાહ જોઈ હતી, કારણ કે એવી માન્યતા છે કે ઉતરાયણ દરમિયાન દેહત્યાગ કરનાર આત્મા પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જ દિવસે પવિત્ર ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હોવાનું પણ મનાય છે.
પરંપરા અને અનુષ્ઠાનો: આ પર્વ પરિવર્તનનું પ્રતીક છે. આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. ગુજરાતમાં આ સમયે ખેતરમાં પાકેલા નવા ધાન્ય અને તલની વાનગીઓ બનાવી દાન કરવામાં આવે છે. તલના છ પ્રકારે ઉપયોગ (સ્નાન, ભોજન, દાન, જળ અર્પણ, આહુતિ અને ઉબટન) ને વિષ્ણુ ધર્મસૂત્રમાં પુણ્યદાયક માનવામાં આવ્યો છે. ગૌમાતાનું પૂજન અને પક્ષીઓને ચણ નાખવાની પરંપરા આ તહેવારને જીવદયા સાથે જોડે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આ દિવસે માલિકો પોતાના નોકરોને અન્ન અને વસ્ત્રનું દાન આપી સામાજિક સમરસતાનો પરિચય આપે છે.
ઉજવણી અને પતંગોત્સવ: ઉતરાયણ એટલે આકાશમાં રંગબેરંગી પતંગોનું સામ્રાજ્ય. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ અગાશીઓ પર ચઢી ’કાપ્યો છે’, ’લપેટ લપેટ’ ની કિકિયારીઓ સાથે પતંગયુદ્ધનો આનંદ માણે છે. ગુજરાતીઓ આ દિવસે તલસાંકળી, ચીકી અને શેરડીની મજ્જા માણે છે. રાત્રિના સમયે આકાશમાં ’ટુક્કલ’ (ફાનસ) ઉડાડવામાં આવે છે, જે તારાઓની જેમ ચમકે છે. સતત બે દિવસ ચાલતો આ ઉત્સવ 15 જાન્યુઆરીએ ’વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ પર્વને રાષ્ટ્રીય તહેવાર તરીકે પણ ઘોષિત કરવામાં આવેલો છે, જે વિવિધ પ્રાંતોમાં લોહરી, પોંગલ અને બીહુ જેવા નામોથી ધામધૂમથી ઉજવાય છે.



