સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
કોઈ ઉમ્મીદ બર નહી કોઈ સૂરત નઝર નહી આતી,
મૌત તો એક દિન મુઅય્યન હૈ નીંદ કયો રાતભર નહી આતી.
– મિર્ઝા ગાલિબ
- Advertisement -
જાપાનની એનીમેટેડ રામાયણ ફિલ્મ આવી હતી જે નાનપણમાં જોયેલી. તેની આછી પાતળી સ્મૃતિ છે ક્યાંક પણ એક દૃશ્ય મનમાં કાયમી અડ્ડો જમાવી બેસી ગયું છે. રામચંદ્ર સેનાના મૃત સૈનિકોના અંતિમ સંસ્કાર કરાવતા હોય છે તો તેની સાથે ત્યાં રહેલા રાક્ષસોના મૃતદેહની પણ અંતિમવિધિ તેઓ કરાવે છે. કોઈ તેમને પૂછે તો તેઓ કહે છે કે, ” મૈત્રી અને શત્રુતા તો જીવન સુધી જ હોય છે. મૃત્યુ પછી તો બધા સમાન જ હોય છે. મૃત્યુ પામ્યા પછી આ બધા આપણા માટે પણ મહાન યોદ્ધા જ કહેવાય. ”
સૌજન્ય, ગરિમા કે નૈતિકતા જેવા શબ્દો ધીમેધીમે આઉટડેટેડ થતા જાય છે. બેફામ ગાળો બોલવી એ ન્યુ નોર્મલ છે. શાલીનતાથી વાત કરનારની ગણતરી કાયરમાં થાય છે. મનફાવે તેમ વર્તનાર આલ્ફા કહેવાય છે. આને આપણી આ બધી નાલાયકીમાં આપણે કોઈ મરેલા માણસનો મલાજો જાળવવાનું પણ ભૂલી ગયા છીએ. મોટેભાગે શ્રદ્ધાંજલિ આપતી વખતે કોઈપણ પ્રસિદ્ધ માણસના યોગદાનને યાદ કરીને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ પણ ના આપણને તો તે વ્યક્તિની રાજકીય નિસ્બત જ જોવી હોય છે. તેની બધી અક્ષમતા હોય તોપણ તેની આમન્યા જાળવવી જોઈએ તેની સાથે આપણને લેવાદેવા નથી. ઘણા માણસોને શ્રદ્ધાસુમન પાઠવતી વખતે લંગૂરો ત્યાં પણ બેફામ ગાળાગાળી કે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે.
વિરામ:
મેં જી ભર જીયા મેં મન સે મરું;
લૌટકર આઉંગા હી કૂચ સે કયો ડરું.
– અટલ બિહારી વાજપેયી
- Advertisement -
” કોઈ મશહૂર માણસ મરે પછી તેમનું ચારિત્ર્ય ધોવા માટે લોન્ડ્રીમાં જાય, પછી તેની પર ઈસ્ત્રી ફેરવવામાં આવે અને પછી એ સાફસુથરું ચારિત્ર્ય કોઈ પ્રમાણપત્રની જેમ દીવાલ પર લટકાવી દેવામાં આવે. ”
સઆદત હસન મન્ટોએ આવું કહ્યાનું વિનોદ ભટ્ટે નોંધ્યું છે. હમણાં મૃત માણસોની આમન્યા જાળવવાની વાત કરી તો જેમ એ આપણાથી નથી બનતું તેમ અવસાન પામેલાના જીવનકવનને વાઇટવોશ કરવાનું પણ પુરબહારમાં ચાલે જ છે. જીવનપર્યંત મિડિયોકર રહેલા ઈસમો મર્યા પછી લેજેન્ડ્સ બની જાય છે, નેતાઓ આદર્શ બની જાય છે અને ધર્મગુરુઓ ભગવાન બની જાય છે. ઉપર કહેલા એ બધાયના ચેલાઓ ઉછળી ઉછળીને પોતાના બોસની ચાપલૂસી કર્યા કરે છે. આ જ આપણી તાસીર છે. નિષ્પક્ષ મૂલ્યાંકન એ જ કોઈ પણ પ્રસિદ્ધ માણસને આપી શકાતું સન્માન છે એવી સાદી વાત આપણી સમજમાં આવી નથી.
પૂર્ણાહુતિ:
અસતો મા સદગમય ,
તમસો મા જ્યોતિર્ગમય ,
મૃત્યોર્મા અમૃતમ ગમય .
– બૃહદારણ્યક ઉપનિષદ