મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું કોલ્હાપુરમાં નિધન, પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે, અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, અરુણ મણીલાલ ગાંધીનું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
- Advertisement -
અરુણ મણીલાલ ગાંધીના નિધનને લઈ તેમના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે, તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા.
Bereaved. Lost my father this morning🙏🏽
— Tushar बेदखल (@TusharG) May 2, 2023
- Advertisement -
અરુણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું. અરુણ ગાંધી દ્વારા લખાયેલા પુસ્તકોમાં ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધીનો સમાવેશ થાય છે. અરુણ ગાંધી 1987માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. અહીં તેમણે તેમના જીવનના ઘણા વર્ષો મેમ્ફિસ, ટેનેસીમાં વિતાવ્યા. અહીં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી.