ભાટિયા અને વાણિયા જ્ઞાતિના સેવકો મહારાજના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમના ચાવેલાં પાનસોપારી ખાતા, તેમના કુટુંબની ક્ધયાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે બાવાઓને સોંપતા. હજારો અનુયાયીઓ પાસેથી ‘લાગા’ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા. મહારાજ લાયબલ કેસમાં એક સાક્ષીની જુબાની અનુસાર, ‘રાસમંડળી’ તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાના દર્શન કરવા માટે તો ભાવિકોએ મોટી રકમ આપવી પડતી! ધર્મ-સંપ્રદાયના નામે હવેલીના હવસખોર મહારાજો દ્વારા ચાલતા આ તમામ ધતીંગો અદાલતમાં રજૂ થયા અને પુરવાર પણ થયા ત્યારે જઈ મહારાજ લાયબલ કેસમાં ફરિયાદી જદુનાથ મહારાજની હાર થઈ અને આરોપી કરસનદાસ મૂળજીની જીત થઈ. કરસનદાસ મૂળજી (1832-1871) પોતે વૈષ્ણવ હતા, કપોળ હતા. તેઓ હળાહળ નાસ્તિક નહીં, ઉચ્ચકોટિના આસ્તિક હતા. તેઓ તિલક પણ કરતા ને ટોપી પણ પહેરતા. તેમને સનાતન કે સંપ્રદાયવિરોધી ન ગણાવી શકાય, એ સુધારાવાદી અને સમાજસેવક હતા. શિક્ષક હોવાની સાથે કરસનદાસની એક લેખક-પત્રકાર તરીકેની કારકિર્દીનો ઉલ્લેખ અગાઉ એક લેખમાં કર્યો હોવાથી અહીં તે અંગેનું પુનરાવર્તન ટાળી આગળ વધુ છું.
વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો એટલે મહારાજ લાયબલ કેસ. અને એ અભૂતપૂર્વ મુકદ્દમો પર સૌરભ શાહ દ્વારા લખાયેલી અદભુત નવલકથા અને એ અદભુત નવલકથા પરથી બનેલી અમેઝિંગ મૂવી એટલે મહારાજ. આ ફિલ્મ ધર્મ-સંપ્રદાયની આડમાં થતા કુકર્મોને ઉઘાડા પાડનારી છે. ફિલ્મમાં ધાર્મિક-સાંપ્રદાયિક ગુરુની દર્શાવવામાં આવેલી પાપલીલા આજેય એટલી જ પ્રસ્તુત છે. ઈનશોર્ટ વર્તમાન સમયમાં પિક્ચરની કથાવસ્તુ પરફેક્ટ છે. એ સમયના વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં મહારાજો દ્વારા તો આજના સમયમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામીઓ દ્વારા.. સંપ્રદાય, રિવાજ, પ્રથા અલગ છતાં તેના નામે થતા પાખંડ અકબંધ છે. કશું બદલાયું નથી. અનિવાર્ય છે, કરસનદાસ જેવા લેખક-પત્રકારોઓની જે વાસ્તવિકતા પ્રદર્શિત કરી પરિવર્તન લાવી શકે. જો વાત ધર્મની જ હોય તો પત્રકારનો ધર્મ છે આયનો બતાવવાનો.. કરશનદાસ મૂળજીએ તેમના સત્યપ્રકાશ સાપ્તાહિકમાં આયનો બતાવવાના ધર્મ પર સૌરભ શાહે મહારાજ નવલકથા મારફતે બખૂબી પ્રકાશ પાડ્યો અને યશરાજ ફિલ્મસના સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઈ વિપુલ મહેતાએ આયના પર પડેલા પ્રકાશને પડદા પર બહેતરીન જીલ્યો છે. ભલે ઘટના બહુ જૂની છે, પરંતુ આ ઘટનાને ફરી ઉજાગર કરી કેટલાય ધર્મ-સંપ્રદાયના અબુધ અંધભક્તોમાં જાગૃતતા ફેલાવવાની જરૂર જ હતી. આ આખાય કિસ્સાની કેટલીક એવી અજાણી વાત, જે મહારાજ મૂવીમાં ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવી નથી, તે હવે..
- Advertisement -
મહારાજ લાયબલ કેસમાં વાદી તરીકે જદુનાથ બ્રીજરતનજી મહારાજ હતા, પ્રતિવાદીઓમાં કરસનદાસ મૂળજી તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીના હતા. વાદીના વકીલ તરીકે મી. બેલી તથા મી. સ્કોબલ હતા, પ્રતિવાદીના વકીલ તરીકે મી. આનસ્ટી તથા મી. ડબનાર હતા. આ કેસ બોમ્બે સુપ્રિમ કોર્ટમાં જજ સર મેથ્યુસ સાર તથા જોસેફ આર્નોલ્ડની હજુરમાં શનિવાર તા. 25 જાન્યુઆરી 1862થી મંગળવાર તા. 22 એપ્રિલ 1862 સુધી ચાલ્યો હતો. આ કેસ 40 દિવસ ચાલ્યો, 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. નર્મદ પણ આ કેસમાં જુબાની આપવા આવેલા. કેસમાં જદુનાથ મહારાજ કરસનદાસ મૂળજી સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો હારી ગયા હતા, કરસનદાસ નિર્દોષ સાબિત થયા અને કેસ લડવામાં તેમને જે 13000 રૂપિયાનો ખર્ચ થયો હતો તે બદલ અદાલતે જદુનાથ પાસેથી તેમને 11500 રૂપિયા અપાવ્યા હતા. અંગ્રેજ ન્યાયધિશોની બનેલી બેન્ચ સમક્ષ આ કેસ ચાલ્યો. બંને ન્યાયાધીશોએ જદુનાથ મહારાજની વિરુદ્ધ ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે, કરસનદાસે લખેલી વાતો ખોટી નથી. અને તે લખવાની કરસનદાસની ફરજ છે.
‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિઆ કોન્સ્પિરસી કેસ’ અંગે મુમ્બઈની ‘દી. લખમીદાસ કમ્પની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃત્તિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સમ્પ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરુર હતી. જે સમ્પ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડમ્બર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસમ્બન્ધ (વ્યભિચાર) કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી! 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે, કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી! આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે!
- Advertisement -
મહારાજ લાયબલ કેસ પર આધારિત દસ્તાવેજી તેમજ એવોર્ડ વિજેતા નવલકથા મહારાજ અનેક વાચકો અને ખાસ કરીને ઘણાં સાચાં વૈષ્ણવોને ગમી છે, તેમના સિવાયનાઓ પણ નેટફ્લિક્સ પર આવી ગયેલી ફિલ્મ મહારાજને ખૂબ વખાણશે. નવલકથાની વાત કરવામાં આવે તો છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા, ખૂબ જ સરળ રીતે લખાયેલી છે. અહીં કેટલીક જગ્યાએ લેખકે તે સમયના શબ્દોને ખૂબ સરસ રીતે પ્રયોજ્યા છે, જેમકે તે વખતે ‘અમે’ ની જગ્યાએ ‘હમે’, ‘મુંબઈ’ ની જગ્યાએ ‘મુંબાઈ’, તે ઉપરાંત તે સમયના ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે. અફકોર્સ નવલકથાને ધ્યાનમાં રાખી ફિલ્મ બની હોય ત્યારે એ પણ એટલી જ અસરકારક હોવાની. ફિલ્મમાં દરેક બાબતની જાજીબધી કાળજી લેવામાં આવી હોય એ જોઈ શકાય છે, ખાસ કરીને કોઈની લાગણી ન દુભાઈ તેની. બે કલાકની મહારાજ મૂવી ગાગરમાં સાગર સમાન છે છતાં હજુ ઘણું રહી ગયું, છૂટી ગયું એવું લાગ્યા કરે. અગાઉ આ જ કથાવસ્તુ પરથી નાટક પણ ભજવાયા છે. સત્યઘટના પર આધારિત નવલકથા, નાટક અને ફિલ્મ બાદ ઊંડાણપૂર્વકની તલસ્પર્શી હકીકત રજૂ કરતી વેબસિરીઝ બને તો સારું. એવું જાણમાં આવ્યું છે કે, ઘણાં નવાં વકીલોને કોર્ટની કાર્યવાહી શીખવવા માટે મહારાજ લાયબલ કેસનો ઉપયોગ થાય છે. પત્રકારત્વના વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમમાં એક પ્રકરણ મહારાજ લાયબલ કેસ અને કરસનદાસ મૂળજીનું ભણાવવામાં આવે છે. હવે ધર્મ-સંપ્રદાયના નામે ઢોંગી-ધૂતારા ગુરુ-મહારાજનો ભોગ બનેલા ભોળાજનો-હરિભક્તોને મહારાજ મૂવી બતાવવામાં આવશે.
સદીઓ પૂર્વે કરસનદાસ મૂળજીના સત્યપ્રકાશમાં લખાયેલી એક વેધક વાત સાથે વિરમીએ.. ‘હમો જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃતિમાં લખ્યું છે કે મહારાજને અથવા ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી? પોતાની સ્ત્રી જ નહીં, પણ પોતાની બેટી અથવા દીકરીને બી સોંપવી? અરરર! આ લખતાં હમારી કલમ ચાલતી નથી. હમોને અતીશે કંટાળો અને ધ્રુજારો છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓને આંખમાં ધૂળ છાંટીને ધર્મને નામે અને ધર્મને બહાને તેઓની કાચીકુંવારી વહુ-દીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને વધારે ઠગાઈ કઈ?’
કરસનદાસ મૂળજી
એ સમયના વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં મહારાજો દ્વારા તો આજના સમયમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વામીઓ દ્વારા.. સંપ્રદાય, રિવાજ, પ્રથા અલગ છતાં તેના નામે થતા પાખંડ અકબંધ