કાલાવડ રોડ-સ્વામિનારાયણ મંદિર આસપાસનાં રહેવાસીઓ ત્રસ્ત
મંદિરની વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવા દેતાં નથી, હરિભક્તો હાઉસિંગ બોર્ડ, હરિહર સોસાયટીના રહેવાસીઓની
પાળ પીટી નાંખે છે…
- Advertisement -
રૈયા રોડ તરફ જતો રસ્તો બંધ કરાવી દીધાં બાદ સનાતન વિરોધી સંપ્રદાયની વધુ એક આડોડાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
આજથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મહંત સ્વામી રાજકોટમાં છે. મહંત સ્વામી 10 જુલાઈ સુધી રાજકોટમાં રોકાણ કરવાના છે. તેમના આ 26 દિવસના રોકાણ દરમિયાન દરરોજ વિવિધ પ્રસંગ અને વિશિષ્ટ સત્સંગનું આયોજન કરાયું છે. આ દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામીના આગમન સાથે જ આસપાસના રહીશોને અડચણ શરૂ થઈ ગઈ છે. કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીના દર્શન-આશીર્વાદ માટે આવનારા ભક્તો માટે મંદિરની અંદર વાહનો રાખવા માટે પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ત્યાં આવનારા ભક્તોએ પોતાના વાહન ફરજીયાત રસ્તા પર પાર્ક કરવા પડી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરની આસપાસ જ્યાં જૂઓ ત્યાં આડેધડ મકાનો, દુકાનો, ઓફિસ, કોમ્પ્લેક્સની આગળ અને રસ્તાની વચ્ચે નો પાર્કિંગમાં પણ આડેધડ વાહનો પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે.
સ્વામિનારાયણ મંદિરની આસપાસની સોસાયટી અને સામેની બાજુ અક્ષર માર્ગ પર અસંખ્ય વાહનોના થપ્પેથપ્પા લાગી ગયા છે. પરિણામે સ્વામિનારાયણ મંદિરની આસપાસના આખાય વિસ્તારના રહીશો, રાહદારીઓ સહિત સૌને ભારે હાલાકી પડી રહી છે. હજુ મહંત સ્વામી સ્વામિનારાયણ મંદિરે આવ્યા છે ત્યારે જ આ હાલ છે અને 26 દિવસ સુધી રોકાણ કરવામાં છે એ દરમિયાન વાહન પાર્ક અને ટ્રાફિકની સમસ્યા ન વકરે તે માટે સ્વામિનારાયણ મંદિરની અંદર પરિસરમાં જ ભક્તોના વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ઉભી કરવી ખાસ આવશ્યક છે.