રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર મહાકાલ મહાદેવનું મંદિર આવેલું છે
દર વર્ષે યુવા ગ્રુપ દ્વારા ખાસ થીમ નક્કી કરી શણગાર કરાઇ છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
શ્રાવણ મહિનો ભક્તિ, શ્રદ્ધા અને શિવની આરાધનાનું પવિત્ર પર્વ છે. શ્રાવણ માસમાં ત્રિભૂવનના ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉપવાસ, રુદ્રાભિષેક, જાપ અને પૂજામાં ભક્તો લીન બન્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા મહાકાલ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. અહીં દર સોમવારે મહાદેવ માટે નવો અને અનોખો શ્રૃંગાર થાય છે, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ઈસિત ટંકારિયાએ કહ્યું કે હું મહાકાલ મહાદેવ મંદિરનો સેવક છું. આ મંદિર રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલું છે. હું અહિંયા 10-15 વર્ષથી સેવા કરૂ છું. આ મંદિરમાં અમે અન્નક્ષેત્ર પણ ચલાવીએ છીએ. જેથી અમે સાંજે પણ અહિંયા સેવા કરવા આવીએ છીએ. દર શ્રાવણ મહિનામાં 4 અથવા તો 5 સોમવાર આવે છે.
આ સોમવાર દરમિયાન અમે મહાદેવના અલગ અલગ શ્રૃંગાર કરીએ છીએ. ગઈ શિવરાત્રીમાં અમે ઈન્ડિયન કરન્સી અને યુએસ ડોલરનો શ્રૃંગાર કર્યો હતો. અમે શ્રાવણ માસના સોમવારે મહાદેવને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન મહાકાલની થીમ ઉપર શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. તે જોઈને એવું જ લાગે કે જાણે તમે મહાકાલેશ્વરમાં છો અને મહાકાલના દર્શન કરી રહ્યાં છો. વધુમાં તેમને કહ્યું કે અમારા યુવા ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ નક્કી કરવામાં આવે છે. એ થીમ મુજબ જ અમે મહાદેવનો શ્રૃંગાર કરીએ છીએ. શ્રાવણ માસના સોમવાર માટે અમે મહિનાઓ પહેલા જ તૈયારી શરૂ કરી દઈએ છીએ. શ્રાવણ માસમાં તો ભક્તોનો જમાવડો જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન મહાકાલ મહાદેવ મંદિરે થતો આ આધ્યાત્મિક શ્રૃંગાર માત્ર શૃંગાર નથી, પણ ભક્તિ અને સર્જનશીલતાનું અનોખું મિલન છે. ઈસિત ટંકારિયા અને તેમના યુવા ગ્રુપની ટીમ દ્વારા થતી તૈયારીઓ, ભક્તોના ભાવ સાથે જોડાયેલા શ્રૃંગાર અને ભવ્ય દ્રશ્યો શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે.



