લગ્નના નામે છેતરપિંડીનો મોટો ધંધો ચાલી રહ્યો છે
મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ કરનારા ચેતી જાય
- Advertisement -
મેટ્રિમોનિયલ સાઈટ પર જો તમે કે તમારા સંતાન માટે દીકરી કે છોકરો શોધી રહ્યા હોવ તો સાવચેત રહો. જો તમને લાગે છે કે તમને ઓનલાઈન સાઈટ દ્વારા સારી વ્યક્તિ મળી શકે છે, તો આ જાણવા જેવો અહેવાલ તમારા માટે છે. સાયબર અપરાધીઓએ આ પ્રકારની સાઈટ પર પોતાનું જાળ ફેલાવ્યું છે. ગુજરાત સહિત આખા દેશમાં અલગ-અલગ જગ્યાએથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે. લગ્નના નામે છેતરપિંડીનો મોટો ધંધો ચાલી રહ્યો છે. મોટી મેટ્રિમોનિયલ સાઈટ પર આવા છેતરપિંડી કરનારાઓ છે જેઓ વિવિધ રીતે છેતરપિંડી કરવામાં માહેર છે. તેમની પાસે તમને છેતરવાની ઘણી રીતો છે. આજકાલ જ્યારે બધું જ ડિજિટલ થઈ ગયું છે તો લગ્ન પણ કેમ પાછળ રહે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મેટ્રિમોનિયલ સાઈસ આવી છે અને અહીં ઓનલાઈન સંબંધો સ્થાપિત કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. બદમાશો પણ આ ટ્રેન્ડનો બરાબર ફાયદો ઉઠાવી રહ્યા છે. સાઈબર નિષ્ણાંતોના મતે વિવાહ ઈચ્છુક યુવક-યુવતીઓ વિભિન્ન પ્રકારની મેટ્રિમોનિયલ વેબસાઈટથી પાર્ટનરની શોધ કરતા હોય છે. એના લાભ આ સાઈબર ગુનેગારો ઉઠાવે છે.
મેટ્રિમોનિયલ સાઈટ પર લગ્નોત્સુક યુવક-યુવતીની અંગત માહિતી મેળવીને બ્લેકમેલિંગના વધતા કિસ્સા
આજે મેટ્રિમોનિયલ સાઈટ પરથી યુવક-યુવતીઓના છેતરાવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સાઈબર ઠગો સૌ પ્રથમ તો સોશિયલ મીડિયા દ્વારા વિભિન્ન ઓનલાઈન પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ પર રહેલા લોકોની અંગત જાણકારી મેળવે છે. ત્યારબાદ તેમની સાથે મિત્રતા કરીને પછી પ્રેમજાળમાં ફસાવે છે. પછી તેમના ફોટો, સંબંધીઓના નંબર તેમજ અન્ય જાણકારી મેળવીને તેના બળે તેમની પાસેથી નાણા વસૂલે છે. પૈસાની આનાકાની કરનારાને બદનામીનો ડર દેખાડીને બ્લેકમેલ કરવામાં આવે છે. લગ્નની બાબતમાં મેટ્રિમોનિયલ વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ બનાવીને છેતરપિંડી કરનારાઓ વધી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જો તમે પણ આ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જીવનસાથી ગોતીને લગ્નનું આયોજન
કરી રહ્યા છો, તો તમારે ઘણી બધી સાવચેતી રાખવાની તાતી જરૂર છે.
- Advertisement -
મેટ્રિમોનિયલ સાઈટ પર શું તકેદારી રાખવી?
આધુનિક યુગમાં મેટ્રિમોનિયલ વેબસાઈટના આધારે લગ્ન વધુ સરળ થવા લાગ્યા છે. જોકે સરળતા સાથે ઘણી વખત જોખમ પણ સામે આવીને ઉભું રહે છે. લોકો આવી વેબસાઈટ ઉપર છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. તેથી મેટ્રિમોનિયલ વેબસાઈટમાં કોઈનો સંપર્ક રાખતી વખતે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. પોતાની તમામ વિગતો આવી સાઇટ ઉપર મૂકી દેવી જોઈએ નહીં. આવી વેબસાઈટના માધ્યમથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ઓનલાઈન જીવનસાથી પસંદ કરતી વખતે દરેક વ્યક્તિએ તકેદારી રાખવી અત્યંત આવશ્ર્યક છે.
ભારતમાં 2500થી વધુ મેટ્રિમોનિયલ સાઈટ
પુસ્તક ‘મેરેજ ઇન સાઉથ એશિયા’ ભારતમાં મેચમેકિંગની બદલાતી પેટર્નની શોધ કરે છે. આ મુજબ દેશમાં હાલમાં 2600થી વધુ એક્ટિવ મેચમેકિંગ વેબસાઇટ્સ અને હજારો એપ્સ છે. તેની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. મેટ્રિમોનિયલ વેબસાઈટ આવી છતાં પણ આજે હજુ દેશમાં જૂના જમાનાની રીતે સમૂહ લગ્નો થાય છે. જોકે હવે નવી પેઢી ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઇટ પરથી જીવનસાથી પસંદ કરવા લાગી છે ત્યારે ઘણી વખત તેને લગ્ન પહેલા કે પછી છેતરપીંડીનો ભોગ પણ બનવું પડે છે.
સાઈબર ઠગો સૌ પ્રથમ તો સોશિયલ મીડિયા દ્વારા વિભિન્ન ઓનલાઈન પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ પર રહેલા લોકોની અંગત જાણકારી મેળવે છે, ત્યારબાદ તેમની સાથે મિત્રતા કરીને પછી પ્રેમજાળમાં ફસાવે છે અને પછી શરૂ થાય છે બ્લેકમેઈલિંગનો સિલસિલો…



