અર્થામૃત
હાનિ-લાભ, જીવન-મરણ, જશ-અપજશ; આ બધું વિધાતાના હાથમાં છે
- Advertisement -
કથામૃત :
બિહારના એકભાઇ રોજગારીની શોધમાં ગુજરાત આવ્યા. સૌરાષ્ટ્રમાં આવેલી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મજૂરી કામ કરીને એમનું ગુજરાન ચલાવતા. મજૂરી કામ કરીને માંડ પેટ પુરતું કમાઇ શકે એટલે રહેવા માટેનું મકાન ક્યાંથી ખરીદી શકે ? નેશનલ હાઇવે પર જ એક ઝૂંપડૂં બનાવીને આ ભાઇ એમના પત્નિ અને ચાર સંતાનો સાથે રહેતા હતાં. પતિપત્નિ કામ કરવા માટે જાય અને બાળકો રસ્તા પર રઝળતા હોય. બધાં પશુ કરતા પણ બદતર જીવન જીવતા હતાઅને દિવસો કાઢતા હતાં
એક દિવસ પતિપત્નિ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો. સામાન્ય ઝઘડાએ વિકરાળ રુપ ધારણ કર્યું. ગુસ્સામાંને ગુસ્સામાં પતિએ એમની પત્નિની હત્યા કરી નાંખી. પત્નિની હત્યાના ગુનામાં પતિને જેલની સજા થઈ. થોડા સમય પછી પોલીસના જાપ્તા હેઠળ રહેલા આ ભાઇએ પણ આત્મહત્યા કરી લીધી. બાળકો માતા-પિતા વગરના થઈ ગયા.
આ ચારેય બાળકોને રાજકોટની નિરાશ્રીત બાળકોને સાચવતી સંસ્થા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ’ને સોંપવામાં આવ્યા. બાલાશ્રમમાં બાળકોના ઉછેર માટેની અને અભ્યાસ માટેની સુંદર સુવિધા છે. માતા-પિતા વગરના અનાથ બાળકોને મા-બાપનો પ્રેમ મળી રહે એટલે સંતાનોની જરૂર હોય એવા યોગ્ય દંપતીઓને બાળકો દત્તક આપવામાં આવે છે.
બાલશ્રમમાં રહેતા આ ચાર બાળકો પૈકી એક બાળકને મુંબઇના આર્થિક રીતે સુખીસંપન્ન પરિવારે દત્તક લીધુ તો બીજા એક બાળકને બીજા એક સુખી પરિવારે દત્તક લીધું. સૌથી નાની ઉંમરના ભાઇ-બહેનને અમેરિકામાં વસતા એક નિ:સંતાન ગુજરાતી દંપતીએ દત્તક લીધા. જે બાળકો એક સમયે ઝૂપડપટ્ટીમાં રહેતા હતા અને રસ્તે રઝળતા હતા એ બાળકો હવે આલીશાન મકાનમાં રહેવા લાગ્યા અને સારામાં સારી શાળામાં અભ્યાસ કરવા લાગ્યા.
બોધામૃત
બોધામૃત ભગવાનની લીલા પણ કેવી અકળ છે. રસ્તે રઝળતા બાળકોને વિદેશની ધરતી પર સુખી-સમૃદ્ધ પરિવારમાં રહેવાની અને સારામાં સારી શાળામાં અભ્યાસ કરવાની તક આપીને રંકને પણ રાજા બનાવી શકે.