સૌરાષ્ટ્રના માત્ર દ્વારકા જિલ્લાને બાદ કરતા તમામ 10 જિલ્લામાં મતદાનમાં ઘટાડો થયો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં ગત ચૂંટણીની સાપેક્ષે 3.10 ટકા જેટલું મતદાન ઘટયું છે, સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી માત્ર દ્વારકા જિલ્લાને બાદ કરતા તમામ 10 જિલ્લામાં મતદાનમાં ઘટાડો થયો છે અને ભાજપના ગઢ સહિતની કેટલીક બેઠકો પર તો તોતિંગ ઘટાડો નોંધાયો છે ત્યારે ઓછુ મતદાન કોને નડશે અને કોને ફળશે તે મુદ્દે ભારે ચર્ચા જાગી છે. પરંતુ, ભૂતકાળના અનુભવો જોતા ભલે ગત ચૂંટણીથી મતદાન ઘટયું હોય પરંતુ, જે બેઠક પર મજબૂત ઉમેદવાર, જાણીતો ચહેરો છે અને મતદાન વધારે રહ્યું છે ત્યાં તેને ફાયદો થયો છે.પરંતુ, એકંદરે ઓછુ મતદાન કોંગ્રેસને નડતું રહ્યું છે. ઈ.સ. 2007માં માત્ર 58.46 ટકા મતદાન હતું અને ભાજપને વધારે સીટો મળી હતી. ઈ.સ. 2012માં મતદાનમાં આશરે 10 ટકાનો વધારો થયો, ઓગષ્ટ- 2012માં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભાજપને બેઠું કરનારામાં એક કેશુભાઈ પટેલ ખુદ નરેન્દ્ર મોદી સામે ગુજરાત પરિવર્તન પાર્ટી સ્થાપીને મેદાને પડયા હતા. પરંતુ, એ વર્ષે પાંચ ચૂંટણીઓનું સર્વાધિક 68.21 ટકા મતદાન થયું અને વધારાનું મતદાન ભાજપ તરફી થયું તેથી ભાજપને 48માંથી 30 બેઠકો મળી હતી. પરંતુ, 2017માં બાજી પલટાઈ હતી. ભાજપ સામે બળવાખોર પક્ષ ન્હોતો, પરંતુ, મોંઘવારી મુદ્દે અને પાટીદાર ફેક્ટરથી વિરોધ હતો, સામે એક જ પક્ષ કોંગ્રેસ હતો અને મતદાનમાં 4 ટકાનો ઘટાડો થયો જે ભાજપને નડયો હતો. 48માંથી કોંગ્રેસનો 29 બેઠક પર જ્વલંત વિજય થયો, 1 એન.સી.પી.ને મળી અને ભાજપ માત્ર 18 બેઠકોમાં સમેટાઈ ગયું હતું. મોરબી જિલ્લામાં સર્વાધિક રેકોર્ડ 73 ટકા મતદાન થયું અને ત્યાં ભાજપને એક પણ બેઠક મળી ન્હોતી. બીજા નંબરે ગીર સોમનાથમાં પણ 68.61 ટકા નોંધપાત્ર મતદાન જ્યાં ચારેય બેઠકો કોંગ્રેસને મળી હતી.
- Advertisement -
65 ટકાથી વધારે મતદાન થયું
ગત ચૂંટણીમાં 48 પૈકી 18 બેઠકો એવી હતી જ્યાં 65 ટકાથી વધારે મતદાન થયું હતું અને તેમાં કોંગ્રેસને 18માંથી 13 બેઠકો મળી હતી. જ્યારે 30 બેઠકો ઉપર ઓછું મતદાન થયું હતું અને તેમાં કોંગ્રેસને પચાસ ટકા, 15 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં વારંવાર જીતતા બાવળિયા,જવાહર ચાવડા, રાઘવજી પટેલ, હકુભા જાડેજા, બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ કોંગ્રેસમાં હતા જે સહિત 11 ધારાસભ્યો હવે ભાજપના નેતાઓ છે.