ઇશ્વર પ્રાપ્તિની ઝંખના કરતો એક યુવક એકવાર રામાનુજને મળ્યો. રામાનુજને મળીને કહ્યું કે, મને આ સંસારમાં કોઈ મોહ નથી. મારે તો બસ ભગવાન સાથે નાતો જોડવો છે. મારે આપનું માર્ગદર્શન જોઈએ છે કે મને પ્રભુનો પ્રેમ કઈ રીતે મળે. રામાનુજે યુવકને પૂછ્યું, તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરો ? પેલો યુવક કહે, હું કંઈ મૂરખ છું તે આ સંસારની માયામાં ફસાઉ ? મેં ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો. રામાનુજે બીજી વાર પૂછ્યું, ભલે તેં પ્રેમ ન કર્યો હોય, પણ ક્યારેય પ્રેમનો વિચાર આવ્યો હોય એવું ખરું ? પેલાએ કહ્યું, અરે મહારાજ, તમે શું વાત કરો છો ? આવો હીન વિચાર આવે કેવી રીતે ? મને ક્યારેય કોઈને પ્રેમ કરવાનો વિચાર નથી આવ્યો, અરે કોઈ બીજાની ક્યાં વાત કરો છો; મારા માતા-પિતા ભાઈ-બહેન, મિત્રવર્તુળ – કોઈને પણ પ્રેમ કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. રામાનુજે ત્રીજી વાર પૂછ્યું, ક્યારેય કોઈ સપનું આવ્યું હોય – કોઈને પ્રેમ કરવાનું એવું બન્યું છે ? પેલાએ કહ્યું, તમે પણ હદ કરો છો હો… મને માત્ર એક જ વિચાર આવે છે. ભગવાનને પ્રેમ કરવાનો. તો બીજાને પ્રેમ કરવાનું સપનું મને કેવી રીતે આવી શકે ? આ નશ્વર પ્રેમને મેં મારાથી ખૂબ દૂર રાખ્યો છે. હવે મને કહો કે પ્રભુનો પ્રેમ પામવાની પૂરેપૂરી પાત્રતા છે ને મારી ? પરમશક્તિના એ પ્રેમનો અધિકારી છું ને હું ? રામાનુજ એકદમ ઉદાસ થઈ ગયા. પેલાએ કહ્યું, કેમ તમે બોલતા બંધ થઈ ગયા ? રામાનુજ કહે, અરે દોસ્ત ! તેં બોલવા જેવું કંઈ રહેવા જ નથી દીધું ! પરમાત્માની બનાવેલી આ સૃષ્ટિ અને માણસોને જો તું પ્રેમ ન કરી શકતો હોય; તો પછી પરમાત્માને કેવી રીતે પ્રેમ કરી શક્શે, ભાઈ ? જો તેં કોઈને પ્રેમ કર્યો હોત તો તારા એ નશ્વર પ્રેમને પણ પરમાત્માના પ્રેમમાં પરિવર્તિત કરી શકાત. પરંતુ તારે તો પ્રેમ સાથે દૂર દૂરનો ય નાતો નથી. તો પ્રભુના પ્રેમ તરફ પ્રયાણ કેમ કરીશ ? અરે ભાઈ, તારી પાસે પ્રેમનું બીજ જ નથી. તો પરમાત્માના પ્રેમરૂપી વૃક્ષને કેવી રીતે મેળવી શકીશ ? પ્રભુના પ્રેમને પામવા માટે એણે રચેલી આ સૃષ્ટિને પ્રેમ કરતા શીખીએ; અને કોઈ સાચા ગુરુના માર્ગદર્શનથી જગત પ્રત્યેના આ પ્રેમનું રૂપાંતરણ જગદિશ પ્રત્યેના પ્રેમમાં કરીએ.
આપણી સાથે જે ઘટના બને છે તે નહીં, પરંતુ તે ઘટનાનો પ્રતિભાવ આપણને દુ:ખ પહોંચાડે છે
- Advertisement -
– સ્ટીફન આર. કોવી



