વહાલી જિંદગી…
તું મારું ઝળહળતું આયખું છે, તું મારો સોનાનો સૂરજ છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણ કે તને પ્રેમ કરવો એ મારો જીવનધર્મ છે. મારી શ્રદ્ધા એટલી બધી પ્રબળ બની ગઈ છે કે એમાં શંકાની સોય પણ પ્રવેશ ના કરી શકે. મારું સમર્પણ પાકી જવાની અણી ઉપર છે. જિંદગી પ્રત્યેની મારી સાચી નિષ્ઠા જ મારા આયખાની સાચી મૂડી છે. તારા સહારે હું આવા જ અનહદ આનંદથી જીવી જઈશ કારણ કે તું જ મારું અણમોલ નાણું છે. તને જોઉં, વિચારું છું ત્યારે મારી ભીતર એક અજીબ પ્રકારની દિવ્યાનુભૂતિ થાય છે. ભગવાન જડી ગયા બાદ ભક્તને થતી અલૌકિક આનંદની લહેર મારામાં હિલ્લોળા લેવા માંડે છે. તું મારું અર્ધ્ય છે… તું જ મારું સમિધ છે… તારા રૂપની સુગંધ મારો ધૂપ છે અને તારા ચહેરાનું તેજ એ જ મારી આસ્થાનો દીવડો છે. તું મારી રગે રગમાં વ્યાપી આખા જીવનને એ રીતે અજવાળે છે જેવી રીતે સૂરજની રોશની પૃથ્વીને પાવન કરે. હું તને ખૂબ જ માન આપું છું, તારા પ્રેમનું સન્માન કરું છું અને તારા આદરને મારી ભીતર ઉતારું છું. તારી દરેક ક્રિયા મારે મન આસ્થા છે… ભક્તિ છે… પૂજા છે… તને શ્વસું નહીં કે તને જીવું નહીં ત્યાં સુધી હું જ જીવંત નથી થતો. તું મારી હથેળીની બધી જ રેખાઓમાં અંકિત થયેલી આયુષ્યની વૈતરણી છે. તું મારા કિસ્મતની લકીર પર જાજમ પાથરીને બેસેલી મારી હૈયાધારણ છે. સઘળા વાતાવરણમાં તારા હોવાની ખુશ્બૂ મહેકે છે. તું આસપાસ કે આજુબાજુ હોય ત્યારે બધું જ જીવંત લાગવા માંડે છે અને તું તો ભીતર છે એટલે જ જીવન સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યું છે. દરેક પળે હું તને યાદ કરું છું અને તારામાં જીવું છું કારણ કે તું મારું એ સપનું છે જે હંમેશા સાચું પડે છે. હું સાવ નાનો બાળક બની તારા સ્વરૂપને મુગ્ધતાથી માણતો રહું છું. મારું વિસ્મય તારા પગના નખથી છેક માથાના વાળ સુધી લંબાતું જાય છે. હું તને અને તારા રૂપને પીધાં જ કરું છું. મારે તારા આ રૂપના નશાને આજીવન પીવો છે. સતત અને હજુ આનાથી પણ વધારે તારામાં રમમાણ રહેવું છે. તારી આંખોમાંથી ટપકતી પ્રેમની મસ્તીમાં મારે મારા બધાં જ સપના ઝબોળવા છે. તારી છાતીમાં ઘૂઘવાટા મારતાં દરિયાને સંપૂર્ણ પી જવો છે અને તારી કમર પર હાથ રાખી, વટથી મારે આખા જગતની સેર કરવી છે. હું તને ભરપૂર પ્રેમ કરું છું કારણ કે તું મારો આત્મા છે. અને તારી ભીતર રહેલો આત્મા એ જ મારો પરમેશ્વર છે. હું તારા પર રોજ રોજ વારી જાઉં છું, ઓવારી જાઉં છું કારણ કે તું મારું ઝળહળતું અજવાળું છે. તું સરોવરના શાંત અને નિર્મળ પાણીમાં પડેલું એવું પ્રતિબિંબ છે જેનાથી હું મને, તને અને આખી દુનિયાને સ્પષ્ટ નિહાળી શકું છું. તું મારા દિલ પર રોજ રમાતો રાસ છે… મને યુગો સુધી ફકત તારી જ પ્યાસ છે…
તને સતત પીતો… જીવ.
(શીર્ષકપંકિત:- હિમલ પંડ્યા)