પ્રથમ દિવસે 50 હજાર લોકો ઉમટ્યા, હૈયુ ખોલી મેળાના મહાસાગરમાં ડૂબ્યા
રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ ઓળખ
- Advertisement -
રસરંગ લોકમેળાનો પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ કર્યો શુભારંભ
મેળે મેળે મોરલડી હેલે ચડી… લોકમેળામાં રાત પડી ને દિ’ ઉગ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે જન્માષ્ટમીએ પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયે હૈયુ દળાય તેટલો દસ લાખથી પણ વધુ માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર (લોકમેળા સમિતિ) દ્વારા તા. 5 થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ રાજકોટના સુપ્રસિધ્ધ “રસરંગ લોકમેળા-2023” ઉદધાટન પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું. ત્યારે પ્રથમ દિવસે અંદાજે 50 હજાર લોકો ઉમટી પડ્યા હતા. જાણે રાત પડી દિવસ ઉગ્યો તેવો માહોલ જોવા મળ્યો હતો.
- Advertisement -
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા આ લોકમેળાની આવક જિલ્લાના વિકાસ કામો માટે થાય છે. આ મેળામાં ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની સૌરાષ્ટ્રવાસીઓ મોજ માણશે, આથી ફજર ફાળકાના કારીગરોને રોજગારી પ્રાપ્ત થશે.
કલેકટરએ લોકમેળા અમલીકરણ સમિતિ વતી પ્રવાસન મંત્રીશ્રીને રૂ. 35 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કલેક્ટરશ્રીપ્રભવ જોશીએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન મેયર ડો.પ્રદીપ ડવે કર્યું હતું.
આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરાયા હતા. લોકનૃત્યોમાં પ્રાચીન ગુજરાતના ગરબા, અઠીંગો, હુડો રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ છત્રી નૃત્યો લોકગીતો સાથે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ
આવોને મેળે મહાલીએ સહિયરો, મલકે છે આભલે ચાંદ
આભની અટારીએ દોડે રે વાદળી, સંદેશા સાંભળે સાજન
આવોને સખીઓ ખોલીએ, આજે અંતરના ઓરડાની યાદ
ભાતીગળ ચૂંદડી છેલ છોગાળા, ધબકે છે દિલડાનાં ઢોલ
જામી છે રમઝટ દેજો રે તાળી, મનગમતા મળ્યા છે સાદ
હાથનો લચકો ને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર
આવોને સાહેલીઓ યૌવનની પાંખે, ગોતીએ દીલડાનો ચોર
આવોને સખીઓ ગરબે ઘૂમીએ, સજ્યા છે સોળ શણગાર
ઢોલ ધબૂકે ને મલકે જોબનિયું, રણઝણે ઝાંઝર ઝણકાર
નયનોના મચકા ને કમ્મરના લટકા, રૂમઝૂમ રુપેરી તાલ
મુખડું મલકે ને જોબન થડકે, અંગ અંગમાં રમે તલસાટ
રતુંબલ ગાલ ને હસે છે હોઠ, આજ વાગે છે પ્રીત્યુંના પાવા
ઘૂમે છે ચગડોળ મનનાં આભલે, માણવા છે યૌવનના લહાવા
– રમેશ પટેલ(આકાશદીપ)
અંક બંધ
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ‘ખાસ-ખબર’ કાર્યાલય તા.7-8-9 સપ્ટેમ્બર 2023ના રજા પાળશે. તા. 11 સપ્ટેમ્બર 2023ને સોમવારથી અંક રાબેતા મુજબ પ્રકાશિત થશે જેની સર્વે વાચકો, વિજ્ઞાપનદાતાઓએ નોંધ લેવી. -વ્યવસ્થાપક