ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોનું ગ્રામજનોને સમર્થન, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલાથી પીપાવાવ પોર્ટ જતી મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર નાખવાના મુદ્દે સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પીપાવાવ પોર્ટ સામે પાણીના પ્રશ્નને લઈને રામપરા, ભેરાઇ, દેવપરા, ઠવી સહિતના ગામોના લોકો એકઠા થયા હતા. પીપાવાવ ફોરવે રોડ પર ગ્રામજનો, ગામના સરપંચો, મહિલાઓ અને સ્થાનિક લોકોએ પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આ ગામોને પીપાવાવ પોર્ટ માટેની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, પીપાવાવ પોર્ટ દ્વારા દત્તક લીધેલા ગામોમાં પાઇપલાઇન કનેક્શન માટે મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટનાના પગલે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, જીગ્નેશભાઇ પટેલ, ચેતનભાઇ શિયાળ, વીરભદ્રભાઇ ડાભીયા સહિતના આગેવાનો ગ્રામજનોના સમર્થનમાં આવી પહોંચ્યા હતા. ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રથમ પાણીનો સંપ બનાવવામાં આવે અને ત્યારબાદ જ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે આ ગામના લોકોને મહીપરી યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે અને પાણી માટે બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભેરાઇ ગામના સરપંચ વાલાભાઇ રામ, રામપરા સરપંચ સનાભાઇ વાઘ, ગૌતમભાઇ ગુજરીયા, અશોકભાઇ વાજા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર. છોવાળા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.