ભૂગર્ભ સફાઈના નામે દર મહિને ત્રણ લાખનો ખર્ચ ક્યાં જાય છે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભ્રષ્ટાચારે મજા મૂકી હોય તેમ દરેક કોન્ટ્રાકટના કામમાં 7થી 15 ટકા જેટલા નિવેદ પાલિકાને ધરાવ્યા બાદ જ જે તે કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થતા હોવાની ચર્ચા ચડે ચોક થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાને સફાઈ મામલે કરોડોની ગ્રાન્ટ આપી નગરપાલિકા આ ગ્રાન્ટ વપરાશ પણ કરી દેવાય છે પરંતુ સફાઈના મામલે હજુય નગરપાલિકા ડી ગ્રેડ કરતા પણ પાછળ હોય તેમ નજરે પડે છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં માત્ર ભૂગર્ભ ગટરના સફાઈ માટે દર મહિને કોન્ટ્રાક્ટરને ત્રણ લાખ જેટલું બિલ ચૂકવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે કાગળો પર જ કરી દેવામાં આવે છે અને ત્રણેક લાખનું બિલ પાલિકાના અધિકારી અને સત્તાધીશોના બળે પાસ પણ થઈ જાય છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરના જોગાસર પુલ નજીક આવેલા હળવદ રોડ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સતત સ્થાનિકોને સતાવી રહી છે.
- Advertisement -
સમયાંતરે ભૂગર્ભ ગટરની સફાઈ નહીં થવાના લીધે દરરોજ ભૂગર્ભ ગટરનું પાણી બહાર રોડ પર આવી જાય છે અને અહીં આસપાસ રહેતા લોકોના ઘરોમાં પ્રવેશે છે આ બાબતે અનેક વખત સ્થાનિકો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હોવા છતાં પણ પાલિકા તંત્ર જે પ્રકારે ભ્રષ્ટાચારના ભરડામાં ઓતપ્રોત થઈ ચૂકી છે તેથી સ્થાનિકોની રજૂઆત બહેરા કહે સાંભળતી નથી જેથી અંતે આ ભૂગર્ભ ગટર ઉભરાવવાના મામલે હાલમાં જ મામલતદારની અધ્યક્ષતામાં યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરાયો હતો જેમાં નગરપાલિકા તરફથી હાજર કર્મચારી દ્વારા અગાઉ સફાઈ કરેલ ભૂગર્ભ ગટરના ફોટો રજૂ કરી કામગીરી થઈ ચૂકી હોવાનું દર્શાવી દીધું હતુ પરંતુ આજેય અહીંના વિસ્તારમાં રહેતા સ્થાનિકોની હાલત અને સ્થિતિ યથાવત છે.



