રાજકોટની ન.પા.અને તા. પંચાયતોના મત ગણતરી કેન્દ્ર અલગ-અલગ રખાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આવતીકાલે યોજાનારી રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવાની છે. સવારે સાત થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન મતદાન થશે. જો કોઈ કિસ્સામાં ફેર મતદાનની જરૂરિયાત ઊભી થશે તો તારીખ 17ના સોમવારે રી-પોલિંગ કરવામાં આવશે અને તારીખ 18 ના રોજ મંગળવારે મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે.
નગરપાલિકાઓ અને તાલુકા -જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની ચૂંટણીઓની મત ગણતરી અલગ અલગ સ્થળોએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં જિલ્લામાં ધોરાજી નગરપાલિકાની મતગણતરી નવી ભગતસિંહ હાઈસ્કૂલમાં, જેતપુર નવાગઢ નગરપાલિકાની મતગણતરી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ (નેશનલ હાઈવે, નવાગઢ- જેતપુર)માં કરવામાં આવશે. ઉપલેટા નગરપાલિકાની મતગણતરી ટાવર વાળી તાલુકા શાળામાં થશે. ભાયાવદર નગરપાલિકાની મતગણતરી મ્યુનિસિપલ ક્ધયા વિદ્યાલયમાં કરવામાં આવશે. જસદણમાં મતગણતરી મોડેલ સ્કૂલમાં થશે.
ગોંડલ તાલુકા પંચાયતની મતગણતરી ગોંડલ ખાતે તાલુકા સેવા સદનમાં કરવામાં આવશે. જેતપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી જેતપુર ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં કરવામાં આવશે. ઉપલેટા તાલુકા પંચાયતની મતગણતરી મામલતદાર કચેરી ઉપલેટામાં થશે અને જસદણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી મોડેલ સ્કૂલ જસદણ ખાતે કરવામાં આવશે.
- Advertisement -
ગઈકાલે સાંજે 6:00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થયા પછી તમામ મતદાન મથકોનો કબજો ચૂંટણી આયોગ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 6:00 વાગે તમામ મતદાન મથકોએ ઉમેદવારો, તેમના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં મોક પોલ કરવામાં આવશે અને સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. મતગણતરી માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે તે સ્થળો જ રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂરી થયા પછી તમામ ઈવીએમ જે તે રીસીવિંગ સેન્ટરમાં મોકલવામાં આવશે અને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખી રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તારીખ 18 ના મંગળવારે પરિણામો જાહેર થઈ જશે પરંતુ ચૂંટણીની આચાર સહિતા તારીખ 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
જસદણમાં 28 બેઠક માટે 64 ઉમેદવારો મેદાનમાં છે અને બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર (નવાગઢ) નગરપાલિકામાં 44 બેઠકો માટે 140 ફોર્મ ભરાયા છે. ધોરાજીમાં 36 બેઠક માટે 110, ભાયાવદરમાં 24 બેઠકો માટે 68 ઉપલેટામાં 36 બેઠક માટે 87 ફોર્મ ભરાયા છે અને તેમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઈ છે. આમ પાંચ નગરપાલિકામાં 168 બેઠકો માટે 469 ઉમેદવારો મેદાનમાં છે અને સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
નગરપાલિકાઓની સાથોસાથ જે તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની છે તેમાં ગોંડલની એક, ઉપલેટાની બે, જેતપુરની એક, જસદણની બે બેઠકનો સમાવેશ થાય છે અને તેમાં 12 ઉમેદવારો મેદાનમાં છે.
મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત 14 પુરાવાઓ માન્ય રહેશે, રાજકીય પક્ષની સ્લીપ મતદાન માટે અમાન્ય
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું આવતીકાલે મતદાન થનાર છે. મતદારે મત નાખવા માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. પરંતુ જો કોઈ મતદાર આવુ ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ) રજૂ ન કરી શકે તો તેના વિકલ્પે ચૂંટણી પંચ દ્રારા માન્ય 14 પુરાવાઓ પૈકી કોઈ એકનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકશે.માત્ર એક નોટા મત આપી રજીસ્ટર્ડ બટન દબાવનારનો મત માન્ય રહેશે નહીં.આ ઉપરાંત મતદારોએ મતદાન કર્યા બાદ રજીસ્ટર બટન અવશ્ય દબાવવાનું રહેશે તો જ તેનો મત માન્ય રહેશે. ચૂટણી પંચ દ્વારા માન્ય 14 પુરાવામાં ફોટો ઓળખ પત્ર (ઈપીક કાર્ડ), ‘આધાર કાર્ડ, ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ, ફોટા સાથેનું પાનકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપ્નીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટા સાથેની પાસબુક, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ/ અન્ય પછાતવર્ગનું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેનું પેન્શન પ્રમાણપત્રો, સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, વિકલાંગ વ્યક્તિનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેના જોબ કાર્ડ, કર્મચારી રાજ્ય વીમા યોજના ( હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સ્કીમ હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, વગેરે ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ સાથે રાખી મતદાન કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી સ્લીપ્ને મતદારના પુરાવા આધાર તરીકે નહીં લઈ જવા ખાસ અપીલ કરવામાં આવી છે. મતદાર ફોટો કાર્ડ સિવાય અન્ય જે 14 આધારો છે તે માન્ય છે. મતદાનનો સમય સવારના સાત થી સાંજના છ કલાક દરમિયાનનો છે. મોબાઈલ મતદાન મથકે લઈ જવાનો પ્રતિબંધ છે અને મોબાઈલમાંથી પુરાવાઓ બતાવવામાં આવે તો પણ તે માન્ય નથી. મતદાન આપવા છતાં મતદારોએ કોઈપણ પ્રકારના આધારની ફિઝિકલ હાર્ડ કોપી લઈ જવી જરૂરી છે.