લગ્નનું વચન ન પાડતા યુવતીએ કાયદાનો દુરુપયોગ કરી બળાત્કારનો ખોટો કેસ કર્યાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં, એડિશનલ સેશન્સ જજે લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન થયેલા શારીરિક સંબંધને બળાત્કાર ગણી શકાય નહીં તેવું જણાવી એક યુવકને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી યુવતીએ આરોપી પર બળાત્કાર, ગર્ભપાત અને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપી તૃષાંગ પરસોતમભાઈ ડોબરિયા અને ફરિયાદી યુવતી છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. ફરિયાદીના અગાઉ એક વખત લગ્ન અને એક વખત સગાઈ થઈ ચૂકી હતી, જે બંને સંબંધો તૂટી ગયા બાદ તેઓ તૃષાંગ સાથે જોડાયા હતા. આ સંબંધ દરમિયાન ફરિયાદીએ તૃષાંગ પર બે વખત હુમલો પણ કર્યો હતો અને ધમકી આપી હતી કે જો તેની ઈચ્છા મુજબ વર્તવામાં નહીં આવે તો તે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેશે. આથી કંટાળીને તૃષાંગે જાહેર નોટિસ આપીને લિવ-ઇન રિલેશનશિપનો કરાર રદ કર્યો હતો. આ સંબંધ રદ થતાં ઉશ્કેરાયેલી ફરિયાદીએ પોરબંદરમાં ’ઝીરો’ નંબરથી ઋઈંછ નોંધાવી હતી, જેમાં તૃષાંગ પર બળાત્કાર, પાંચ વખત ગર્ભપાત કરાવવા, માર મારવા અને વિશ્વાસઘાત કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કેસ રાજકોટ ગાંધીગ્રામ-2, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થતાં તૃષાંગની ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
સુરેશ ફળદુએ જામીન અરજી દાખલ કરીને રજૂઆત કરી હતી કે, લિવ-ઇન રિલેશનશિપના કરાર મુજબ ત્રણ વર્ષ સુધી શારીરિક સંબંધ સ્થાપિત થયો હોય, તો તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા મુજબ બળાત્કારની વ્યાખ્યામાં આવતો નથી. વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદીએ કાયદાનો ઉપયોગ રક્ષણ માટે નહીં, પરંતુ હથિયાર તરીકે કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે ગર્ભપાતનો આક્ષેપ ખોટો છે અને વાસ્તવમાં જે હોસ્પિટલમાં ગર્ભપાતનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યાં ગર્ભ રાખવાની સારવાર થતી હતી. વકીલે એમ પણ જણાવ્યું કે આ ફરિયાદ માત્ર લિવ-ઇન રિલેશનશિપનો કરાર તોડવા બદલ કરવામાં આવેલો ’કાઉન્ટર બ્લાસ્ટ’ છે.
કોર્ટનો ચુકાદો: બંને પક્ષોની દલીલો, પુરાવા અને તપાસના કાગળો ધ્યાનમાં લીધા બાદ કોર્ટે નોંધ્યું કે, ભોગ બનનાર પુખ્ત વયના છે અને આરોપીની ધરપકડ બાદ ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે છે. વકીલે રજૂ કરેલા ચુકાદાઓ આ કેસને લાગુ પડતા હોવાનું જણાવી કોર્ટે આરોપી તૃષાંગ ડોબરિયાને જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં તૃષાંગનો પક્ષ રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.