ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ પોલીસ દ્વારા પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાના સૂચનાના આધારે સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જે. સાવજના નેતૃત્વ હેઠળ સ્ટાફે મધુરમ વિસ્તાર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
સી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે જુનાગઢના મધુરમ, વાંથલી રોડ પર આવેલ સનસિટી-1માં એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આ મકાન આરોપીના કબજા ભોગવટાનું હોવાનું જણાયું હતું. દરોડા દરમિયાન, પોલીસે મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ દારૂની કુલ બોટલો 2616 નંગ જેની કુલ રૂપિયા 9,78,000 મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે મુખ્ય આરોપીઓ કરણ અરભમભાઈ ઓડેદરા અને રાહુલ કાળૂભાઈ મૈત્રા રહે. જુનાગઢ, મધુરમ, વાંથલી રોડ, સનસિટી-1 આ બંને આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરીને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



