ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.
- Advertisement -
અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેકટર 02, જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06, રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 ના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, છેલ્લા એક વર્ષમાં પકડાયેલ આશરે 15 લાખની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની, સિટી એસડીએમ વસંતકુંવરબા પરમાર, મામલતદાર રણજીતસિંહ મોરી તથા અમદાવાદના ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક જીગરસિંહ ચાવડા, ઝોન 06 વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી.
આમ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં સવા ત્રણ કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.