2023ની સ્થિતિએ 39888 લોકો પાસે દારૂની પરમિટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં એક તરફ દારૂબંધી અંગે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ દારૂની પરમિટમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે વિધાનસભા ગૃહમાં સરકારે પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2023 ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમિટ હોવાની માહિતી સામે આવી છે.
વિધાનસભા ગૃહમાં આજે દારૂની પરમિટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં સરકારે વિગતો સાથે જવાબ આપ્યો છે. છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમિટ માટે નવી અરજીઓ મળી જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમિટ રીન્યુ કરવામાં આવી છે.
આ સાથે જ સરકારે દારૂની પરમિટથી કરોડોની અવાક કરી છે. 3 વર્ષમાં દારૂના નવી પરમિટ હેઠળ 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. જ્યારે 3 વર્ષમાં દારૂની પરમિટ રિન્યુ કરવા માટે 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂની પરિમટ હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે.
- Advertisement -
રાજકોટમાં 4502 લોકો પાસે દારૂની પરમિટ !
મેડીકલ સર્ટિફિકેટના આધારે દારૂની પરમિટ ધારકોની સંખ્યા ઝડપથી વધી છે. નવેમ્બર 2020માં ગુજરાતમાં દારૂની પરમિટ ધારકોની કુલ સંખ્યા 27,452 હતી, જે હાલ વધીને 43,470 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ દારૂની પરમિટ આપવામાં આવી છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ 13,456 લીકર પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે. ત્યારબાદ સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લીકર પરમિટ આપવામાં આવી છે.