આર્જેન્ટિના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીના ચાહકો દુનિયાભરમાં છે, ભારતમાં પણ મેસ્સીના કરોડો ચાહકો છે. ભારતમાં મેસ્સીના ચાહકો માટે ખુશીના સમાચાર છે, મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફૂટબોલ મેચ રમશે. કેરળના રમતગમત પ્રધાન વી અબ્દુરહીમાને બુધવારે જાહેરાત કરી હતી કે આર્જેન્ટિના ફૂટબોલ ટીમ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મેચ માટે રાજ્યની મુલાકાત લેશે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કેરળના પ્રધાન અબ્દુરહીમાને જણાવ્યું કે મેચ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ યોજવામાં આવશે. આ હાઇ-પ્રોફાઇલ ફૂટબોલ ઇવેન્ટના આયોજન માટે તમામ નાણાકીય સહાય રાજ્યના દ્વારા પ્રદાન કરવામાં આવશે.
- Advertisement -
સામે કઈ ટીમ હશે:
જોકે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) દ્વારા સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેરળ સરકારે આર્જેન્ટીનાને હોસ્ટ કરવા તૈયારી બતાવી છે. આર્જેન્ટિના સામે કઈ ટીમ રમશે એ હજુ નક્કી નથી, પરંતુ એવા અહેવાલ છે કે એશિયાની ટોચની ટીમ આર્જેન્ટિના સામે રમી શકે છે.
અહેવાલ મુજબ, અબ્દુરહીમાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ AFA સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે સ્પેન મોકલવામાં આવ્યું હતું. પ્રધાને કહ્યું કે ચર્ચાઓ સકારાત્મક અને ફળદાયી રહી. અહેવાલ મુજબ, કેરળ સરકાર અને AFA સાથે રાજ્યમાં ઘણી ફૂટબોલ એકેડેમી સ્થાપવા માટે પણ વાટાઘાટો કરી રહી છે.
મેસ્સીએ 14 વર્ષ પહેલા ભારતમાં મેચ રમ્યો:
મેસ્સી છેલ્લે 2011માં ભારતમાં રમ્યો હતો, એ સમયે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને વેનેઝુએલાનો વચ્ચે ફ્રેન્ડલી મેચ યોજવામાં આવી હતી, આ મેચમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી ન હતી. ભારતમાં ક્રિકેટની બોલબાલા હોવા છતાં દેશમાં મેસ્સીનો વિશાળ ફેન ફોલોઈંગ છે, ખાસ કરીને કેરળમાં મેસ્સીના ચાહકોનો મોટો વર્ગ છે.
- Advertisement -
મેસ્સીએ 2022 માં આર્જેન્ટિનાને FIFA વર્લ્ડ કપમાં વિજય અપાવ્યો હતો. એવી અટકળો હતી કે આ જીત બાદ મેસ્સી નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ મેસ્સીએ ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું છે. વર્ષ 2026માં યુએસ, કેનેડા અને મેક્સિકોની સહિયારી ભાગીદારીમાં યોજાનારા વર્લ્ડકપમાં પણ મેસ્સી રમતો જોવા મળે તેવી શક્યતા છે. મેસ્સીએ આઠ વખતના બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. ફૂટબોલ ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં મેસ્સીની ગણતરી કરવામાં આવે છે.