ઘણા લોકો પોતાના હોદ્દાને સતત સાથે લઈને જ ફરવા માટે ટેવાયેલા હોય છે, નિવૃત્તિ પછી પણ પોતાનો પરિચય આપતી વખતે હોદ્દાની આગળ પૂર્વ કે ભૂતપૂર્વ લગાડીને જ્યાં સુધી વાત ન કરે ત્યાં સુધી એમણે ચેન ન પડે !
-શૈલવાણી
શૈલેષ સગપરિયા
ડો. એમ. આર. સગારકા તા. 31મી ઓક્ટોબર, 2019ના રોજ વયમર્યાદાને કારણે શિક્ષણ વિભાગના ક્લાસ-1 અધિકારી તરીકે નિવૃત્ત થયા. જેના પરિવારમાં અગાઉ કોઈ ભણેલું નહોતું, એવા અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા આ માણસે પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો અને પ્રાથમિક શાળાના શિક્ષકથી શરૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારી સુધીના જુદા જુદા હોદ્દાઓ પર લગભગ 38 વર્ષ સુધી સેવાઓ આપી.
- Advertisement -
ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરનારા આ નખશિખ શિક્ષકે ક્યારેય કોઈની ચા પણ પીધી નથી. પૈસા ભેગા કરવાની વાત એક બાજુ રહી પણ સન્માનમાં મળેલી શાલ પણ એણે સ્વીકારી નથી. સન્માન સ્વીકારવાની ના જ પાડી દે. પણ જો સામેવાળાની લાગણીને વશ થઈને સ્વીકારવું પડે તો સન્માનમાં મળેલ વસ્તુ ત્યાં જ હાજર વિદ્યાર્થીઓને ભેટમાં આપી દે. અનીતિનો એક પણ પૈસો ઘરમાં ન પ્રવેશે એની આ માણસે ખૂબ તકેદારી રાખી છે.
નિયમ મુજબ સગારકાસાહેબ તા. 31મી ઓક્ટોબરના રોજ નિવૃત્ત થવાના હતાં. પરંતુ દિવાળીઓની સળંગ રજા અને 31મી ઓક્ટોબરની સરદાર પટેલ જયંતીની રજાને કારણે 25મી ઓક્ટોબર એમની નોકરીનો અંતિમ દિવસ હતો. ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નોકરી કરતા સગારકાસાહેબની ચેમ્બરમાં નોકરીના છેલ્લા દિવસે સાંજના 6 વાગ્યાની આસપાસ એક ભાઈ નાના બાળક સાથે આવ્યા.
બાળક સાથે ત્યાં બેઠેલા અજાણ્યા ભાઈને જોઈને કર્મચારીઓએ પૂછયું કે આપને કંઈ કામ છે ? સગારકાસાહેબે કહ્યું કે એ ભાઈ મારા ઓળખીતા છે. મેં જ એમને બોલાવ્યા છે. બધાંને થયું કે સાહેબને કંઈક કામ હશે. ઓફિસસમય પૂરો થયો. સાહેબે ઓફિસમાં છેલ્લી નજર નાખી બધાંને બાય બાય કહ્યું. ગાડીનો ડ્રાઇવર ગાડી લઈને આવ્યો પણ સગારકાસાહેબે પ્રેમથી ગાડીમાં બેસવાની ના પાડી દીધી. એણે કહ્યું કે હું અત્યારે નિવૃત્ત થઈ ગયો છું એટલે હવે અધિકારી નહીં, સામાન્ય માણસ જ છું… અને, એટલે આ સરકારી ગાડીનો ઉપયોગ ન કરી શકું.
- Advertisement -
પોતાનો થેલો લઈને પોતે જે સંબંધીને બોલાવેલા તેના બાઇક પર બેસીને સાવ સહજતાથી એમના વતન જવા માટે નીકળી ગયા. ઉચ્ચ અધિકારી તરીકેની નિવૃત્તિના અંતિમ દિવસે બાઇક પર બેસીને વતન જવા માટે બસ-સ્ટેન્ડ તરફ પ્રયાણ કરતા આ માણસના ચહેરા પરનું સ્મિત અને સંતોષ ત્યાં હાજર બધા લોકોને એક પ્રેરક સંદેશ આપી ગયા…
ઘણા લોકો પોતાના હોદ્દાને સતત સાથે લઈને જ ફરવા માટે ટેવાયેલા હોય છે. નિવૃત્તિ પછી પણ પોતાનો પરિચય આપતી વખતે હોદ્દાની આગળ પૂર્વ કે ભૂતપૂર્વ લગાડીને જ્યાં સુધી વાત ન કરે ત્યાં સુધી એમણે ચેન ન પડે. જો હોદ્દાને નીચે મૂકતાં આવડે તો અહંકાર ઓગળે અને અહંકાર ઓગળે એટલે જીવનને માણવાની મજા આવે.