નવરાત્રિમાં શક્તિપૂજાનું અનહદ મહત્ત્વ માનવામાં આવ્યું છે. મા આસુરી શક્તિઓનો નાશ કરે અને સજ્જનોનો ઉગાર કરે એ માટેની આરાધનાના આ દિવસો છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે આસુરી તત્ત્વો માત્ર અસુરોમાં જ હોય છે અને આપણામાં તો એ હોય જ નહીં. વાસ્તવમાં ખરાબમાં ખરાબ વ્યક્તિની અંદર પણ એક-બે શુભ તત્ત્વો હોય છે અને અત્યંત પવિત્ર વ્યક્તિની અંદર પણ એકાદ અવગુણ હોય છે. આપણે બાહ્ય આસુરી તત્ત્વોની સાથે સાથે માને એવી પ્રાર્થના કરીએ કે આપણી ભીતર રહેલી આસુરી શક્તિઓનો નાશ કરે. આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નવરાત્રિને વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્યોત્સવ કહે છે. ગુજરાતમાં તો રાસ અને ગરબાનું અદકેરું મહત્ત્વ છે. હવે કળિયુગની અસરની નીચે એમાં કેટલાંક અનિચ્છનીય લક્ષણો પ્રવેશી ગયા છે તેમ છતાં નવરાત્રિના ગરબાઓમાં ઘણોબધો ભક્તિભાવ સચવાઈ રહ્યો છે. અત્યંત સારી રીતે સુંદર વસ્ત્રો અને સૌંદર્ય પ્રસાધનોથી સજ્જ થયેલી ખૂબસૂરત યુવતીને ગરબે ઘૂમતી જોઈને તમારા મનમાં વિકાર જન્મે છે તો એ તમારી અંદર રહેલી આસુરીવૃત્તિ છે. જો તમે એ સુંદર યુવતીમાં મા જગદંબાનાં દર્શન કરી શકો તો તમારી આરાધના સાચી. નવરાત્રિ આવી ભાવના કેળવવા માટેનો ઉત્સવ છે.