326 કરોડનો ખર્ચ છતાં 4 માસમાં જ છત ટપકી: લોકાર્પણ થયાના બે વર્ષ બાદ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વરૂપ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 9 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂ. 326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ અહી અરાઇવલ ક્ધવેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડતા મુસાફરોનો સામાન પલળી ગયો હતો. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તાબડતોબ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે ભ્રષ્ટાચારની ચાળી ખાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ટર્મિનલમાં અન્ય જગ્યાએ થોડું પાણી ટપકતું હતું ત્યાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પોતાની ભૂલ છુપાવવા માટે વૃક્ષના કુંડા મુકી દીધા હતા. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને બે વર્ષ વિતી ગયા હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ સુધી શરૂ થઈ નથી, જ્યારે એક પછી એક અસુવિધાઓના વીડિયો સામે આવી રહ્યા છે. વાઇરલ થયેલી તસવીરોમાં પાણીથી મુસાફરોને પડી રહેલી પારાવાર મુશ્ર્કેલી સ્પષ્ટ દેખાય છે. જોકે, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સફાળા જાગી ગયા અને તુરંત જ ટર્મિનલમાં જ્યાં જ્યાંથી પાણી ટપકે છે ત્યાં રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત વિવાદોમાં આવતું રહ્યું છે. અગાઉ ટર્મિનલમાં કેનોપી તૂટવાની સાથે દિવાલ ધરાશાયી થઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી હતી. હંગામી એરપોર્ટ ટર્મિનલનો જ્યારે પ્રારંભ થયો તેના પહેલા જ દિવસે શૌચાલયમાં પાણી ખૂટી ગયું હોવાથી બોટલ લઈને શૌચાલયમાં જવું પડતું હોવાના વીડિયો સામે આવ્યા હતા, જેને લઈને ખૂબ જ મોટો વિવાદ પણ સામે આવ્યો હતો. તે સમયે ટેન્કરથી પાણી મંગાવવું પડતું હતું, જોકે હવે પાઈપલાઈન નંખાઈ જતા તે સમસ્યા દૂર થઈ છે.



