કેપ્રી, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, પોસ્ટર લાગ્યા!
ખાસ-ખબર સંવાદદાતા
સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ રાજકોટના 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લગાવ્યા છે કે મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે ટૂંકા, ફાટેલા કપડાં પહેરી પ્રવેશ કરવો નહીં. પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે, કોઇ પણ સ્ત્રી કે પુરુષોએ કેપ્રી, બરમુડા, સ્લીવલેસ કપડાં, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં.
રાજકોટમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મંદિરોમાં ટૂંકા કે ફાટેલા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ રાજકોટના 100થી વધુ નાના મોટા મંદિરોમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમજ મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યા કે કોઈપણ વ્યક્તિ કે જેમણે ટૂંકા અથવા ફાટેલા કપડાં પહેર્યા હોય તો પ્રવેશ આપવો નહીં.
રાજકોટના વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્ર થઈ આ નિર્ણય લીધો છે. રાજકોટના પ્રખ્યાત પંચનાથ મંદિર સહિતના અનેક મંદિરોમાંય પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજકોટના 100 જેટલા મંદિરોમાં આ પોસ્ટર લગાવવામાં આવશે જેની કામગીરી હિન્દુ સંગઠનોએ શરૂ કરી દીધી છે. વિવિધ મંદિરોમાં લગાવેલ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકા વસ્ત્રો જેમ કે કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિ સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.
છેલ્લા કેટલાક સમયથી અનેક મોટા મંદિરોમાં ટૂંકા અને ફાટેલા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દેશના અનેક મોટા તીર્થ સ્થળોએ પણ કડક નિયમ મુકવામાં આવ્યો છે. રાજકોટના હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, મંદિરની પ્રતિષ્ઠા, ગરિમા અને મહત્ત્વ જળવાય રહે તે હેતુથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરુષ અને સ્ત્રીઓએ મંદિરના પરિસરમાં ટૂંકા અને ફાટેલા વસ્ત્રો પહેરવા નહીં.
- Advertisement -



