લોકોનાં ગળા કાપી નાખતી ચાઈનીઝ દોરીની 51 ફિરકી કબજે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચાઇનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં અમુક વેપારીઓ નફો કમાવવાની લાલચે છાને ખૂણે આવી જોખમી ફિરકીઓ વેચી રહ્યા હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે સદર બજારમાં આવેલ એક હોસ્ટેલમાં દરોડો પાડી જામનગરના બે વેપારીને 51 ફીરકી સાથે ઝડપી લઈ ગોંડલના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ પોલીસ કમિશનરના ઉતરાયણ સંબંધી જાહેરનામાની કડક અમલવારી કરાવવાની સૂચના અન્વયે એલસીબી પીએસઆઈ આર એચ ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે સદર બજારમાં આવેલ સૂકું હોસ્ટેલમાં પહેલા માળે દરોડો પાડી જામનગર હાપા રોડ ઉપર આવેલ મહારાજા સોસાયટીમાં રહેતા આમીર ઇકરામભાઈ મોતીવાલા ઉ.26 અને અને જામનગર બરધન ચોકમાં રહેતા ઇરફાન હારુનભાઈ ગોદર ઉ.45ને સકંજામાં લઈ જડતી લેતા રૂમમાંથી ચાઇનીઝ દોરીની 51 ફીરકી મળી આવતા આ લોકો સદર બજારમાં લારી રાખી આ જોખમી ફીરકી વેચતા હોવાનું અને આ દોરી પોતે ગોંડલમાં ખોડિયાર કૃપા સિઝન સ્ટોર નામે દુકાન ધરાવતા ગોપાલભાઈ સદાદીયા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી 15300નો મુદ્દામાલ જપ્ત કરી ગોંડલના શખ્સની શોધખોળ હાથ ધરી છે.